નજીવા ઝઘડામાં મિત્રની હત્યા કરીને પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓએ મરનારના પપ્પા પાસે ૬ કરોડની ખંડણી માગી

01 March, 2024 08:45 AM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

નોએડાની કૉલેજની આ ઘટનામાં યસ મિત્તલ જ્યાંથી ગુમ થયો હતો ત્યાંનાં સીસીટીવીનાં ફુટેજ પરથી પોલીસને ક્લુ મળી અને આખો કેસ સૉલ્વ થયો

હત્યા કર્યા બાદ મિત્રના મૃતદેહને અમરોહામાં એક ખેતરમાં દાટી દેવામાં આવ્યો હતો

નોએડા : પાર્ટીમાં થયેલા ઝઘડાને પરિણામે મિત્રની હત્યા કરવા બદલ ઉત્તર પ્રદેશના નોએડામાં પોલીસે કૉલેજના ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. હત્યા કર્યા બાદ મિત્રના મૃતદેહને અમરોહામાં એક ખેતરમાં દાટી દેવામાં આવ્યો હતો. મરનાર યુવકને યશ મિત્તલ તરીકે ઓળખવામાં આવ્યો હતો. ગ્રેટર નોએડામાં એક યુનિવર્સિટીમાં યશ મિત્તલ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં બૅચલર્સ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો. નવાઈની વાત એ છે કે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ યશની હત્યા કર્યા બાદ તેના પિતા પાસે ખંડણીનો ફોન કર્યો હતો. 

૨૦ વર્ષના યશ મિત્તલના પિતા બિઝનેસમૅન છે. યશ સોમવારે હૉસ્ટેલમાંથી ગુમ થયો હતો. યશના પિતા દીપક મિત્તલે પોલીસનો સંપર્ક કર્યો ત્યાર બાદ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોતાના પુત્રના છુટકારા માટે ૬ કરોડ રૂપિયાની માગણીના મેસેજ તેમને આવ્યા હતા.

તપાસ દરમ્યાન પોલીસે યશના યુનિવર્સિટી કૅમ્પસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરી હતી અને તેના કૉલ રેકૉર્ડ્સ પણ તપાસ્યા હતા.આ રેકૉર્ડ્સ તપાસવામાં આવતાં પોલીસ અમુક શકમંદો સુધી પહોંચી ગઈ હતી. એ શકમંદોમાં યશનો મિત્ર રચિત નાગર પણ હતો. ઉત્તર પ્રદેશના અમરોહામાં ગજારુલામાં પાર્ટી વિશે તેણે પોલીસને જણાવ્યું હતું જેમાં યશને મિત્રોએ બોલાવ્યો હતો.

તપાસ દરમ્યાન રચિત નાગરે પોલીસને જણાવ્યું હતું  કે ‘યશ મિત્તલ, શિવમ સિંહ, શુભમ સિંહ, સુશાંત વર્મા અને શુભમ ચૌધરી ગજારુલા (અમરોહા)માં રહેતા હતા અને ૨૦૨૩ના નવેમ્બરથી એકમેકને ઓળખતા હતા, એમ ડીસીપી (ગ્રેટર નોએડા) સાદ મિયાં ખાને જણાવ્યું હતું. 

મિત્રોએ ૨૬ ફેબ્રુઆરીએ ગજારુલામાં યશને પાર્ટી માટે બોલાવ્યો હતો, જેમાં કોઈક બાબતે તેમને યશ સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને ગજારુલાના એક ખેતરમાં દાટી દેવામાં આવ્યો હતો. અમે બુધવારે ખેતરમાંથી યશનો મૃતદેહ મેળવ્યો હતો, એમ ખાને જણાવ્યું હતું. પોલીસને બુધવારે સાંજે જાણવા મળ્યું હતું કે આરોપીઓ ગ્રેટર નોએડાના દાદરી વિસ્તારમાં છે. તપાસ કામગીરી દર​મ્યાન પોલીસ સાથે સામસામા ગોળીબાર થયા હતા, જેમાં આરોપીઓને પગમાં ગોળી વાગી હતી. તેમની પછીથી ધરપકડ કરવામાં આવી હતી. ચોથો આરોપી શુભમ ચૌધરી નાસી ગયો છે, તેની ધરપકડના પ્રયાસ થઈ રહ્યા છે. 

national news delhi news noida Crime News