22 May, 2023 11:56 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જ્યારથી ૨૦૦૦ રૂપિયાની બૅન્કનોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી છે ત્યારથી લોકોના મનમાં એના વિશે અનેક સવાલો છે. આવો જ એક સવાલ છે કે ૨૦૦૦ રૂપિયાની નોટને એક્સચેન્જ કે ડિપોઝિટ કરાવતી વખતે કોઈ પણ ફૉર્મ કે સ્લિપની જરૂર પડશે કે નહીં. હવે આ સંબંધમાં ચિંતા દૂર થઈ છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે એની તમામ બ્રાન્ચને ઇશ્યુ કરેલી ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ જાતની રિક્વિસિશન સ્લિપ મેળવ્યા વિના એ મંજૂરી આપશે. આ ગાઇડલાઇનમાં ફરી એ વાત જણાવાઈ છે કે એક સમયે ૨૦,૦૦૦ રૂપિયાના કુલ મૂલ્યની ૨૦૦૦ના મૂલ્યની બૅન્કનોટને ડિપોઝિટ કે એક્સચેન્જ કરી શકાશે.
નોંધપાત્ર છે કે સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી ફેલાઈ છે કે બૅન થયેલી નોટ્સને એક્સચેન્જ કરાવવા માટે એક ફૉર્મ ભરવાની જરૂર પડશે અને સાથે જ આધાર કાર્ડ જેવા આઇડન્ટિટી ડૉક્યુમેન્ટ્સને સબમિટ કરવાની જરૂર પડશે. આરબીઆઇએ ૨૦૦૦ની નોટને પાછી ખેંચી લેવાની શુક્રવારે જાહેરાત કરી હતી. લોકો ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં તેમનાં બૅન્ક અકાઉન્ટ્સમાં ૨૦૦૦ની નોટને એક્સચેન્જ કે ડિપોઝિટ કરાવી શકશે. હવે સોર્સિસ અનુસાર જો જરૂર પડશે તો આરબીઆઇ કદાચ ૩૦મી સપ્ટેમ્બરની આ ડેડલાઇનને લંબાવી શકે છે, પરંતુ જો અત્યારની ડેડલાઇન બાદ પણ કોઈની પાસે ૨૦૦૦ની નોટ હશે તો એ વેલિડ ચલણ રહેશે.