02 April, 2024 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પહેલી એપ્રિલથી નવી ટૅક્સ-વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવી હોવાની ગેરમાર્ગે દોરતી જાણકારી વિવિધ સોશ્યલ મીડિયા પર અપાઈ રહી હોવાથી કેન્દ્ર સરકારના નાણાખાતાએ સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ટૅક્સ-વ્યવસ્થામાં પહેલી એપ્રિલ ૨૦૨૪થી કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
સેક્શન 115BAC(1A) હેઠળની નવી ટૅક્સ-વ્યવસ્થાને ફાઇનૅન્સ ઍક્ટ ૨૦૨૩માં રજૂ કરવામાં આવી હતી. જોકે વિવિધ છૂટછાટો આપતી જૂની ટૅક્સ-વ્યવસ્થા હાલમાં મોજૂદ છે.
નવી ટૅક્સ-વ્યવસ્થા કંપનીઓ અને પેઢીઓ સિવાયની વ્યક્તિઓ માટે લાગુ છે અને એ નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ અને સંબંધિત અસેસમેન્ટ વર્ષ ૨૦૨૪-’૨૫ માટે ડિફૉલ્ટ-વ્યવસ્થા તરીકે લાગુ છે.
નવી ટૅક્સ-વ્યવસ્થા ડિફૉલ્ટ ટૅક્સ-વ્યવસ્થા છે, પણ કરદાતાઓ તેમને જે ફાયદાકારક હોય એવી જૂની કે નવી ટૅક્સ-વ્યવસ્થાને પસંદ કરી શકે છે. નવી ટૅક્સ-વ્યવસ્થામાંથી બહાર નીકળવાનો વિકલ્પ ૨૦૨૪-’૨૫ માટે રિટર્ન દાખલ કરવા સુધી ઉપલબ્ધ છે. જેમનો કોઈ બિઝનેસ નથી તેવા લોકોને દરેક નાણાકીય વર્ષ માટે ટૅક્સ-વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. એનો અર્થ એ છે કે એક નાણાકીય વર્ષ માટે તેઓ નવી ટૅક્સ-વ્યવસ્થાને પસંદ કરી શકે છે અને બીજામાં જૂની ટૅક્સ-વ્યવસ્થાને પસંદ કરી શકે છે. તેઓ પોતાની મરજી પ્રમાણે ટૅક્સ-વ્યવસ્થા પસંદ કરી શકશે.
૨૦૨૩માં અમલમાં આવેલી નવી ટૅક્સ-વ્યવસ્થા
૦થી ૩ લાખ ૦ ટકા
૩થી ૬ લાખ ૫ ટકા
૬થી ૯ લાખ ૧૦ ટકા
૯થી ૧૨ લાખ ૧૫ ટકા
૧૨થી ૧૫ લાખ ૨૦ ટકા
૧૫ લાખથી વધુ ૩૦ ટકા
જૂની ટૅક્સ-વ્યવસ્થા
૦થી ૨.૫ લાખ ૦ ટકા
૨.૫થી ૫ લાખ ૫ ટકા
૫થી ૧૦ લાખ ૨૦ ટકા
૧૦ લાખથી વધુ ૩૦ ટકા