01 August, 2022 06:32 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
કૉંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના બે કરોડના માનહાનિ મામલે દિલ્હી હાઇકૉર્ટે આદેશ જાહેર કર્યો છે. કૉર્ટે આદેશમાં કહ્યું છે કે પહેલી વારમાં એ સાબિત થયું છે કે સ્મૃતિ ઇરાની કે તેમની દીકરીના નામે કોઈપણ બારનું લાઇસન્સ નથી. ન તો તે રેસ્ટૉરન્ટ અને બારની માલિક છે. સ્મૃતિ ઇરાની કે તેમની દીકરીએ ક્યારેય લાઇસન્સ માટે અરજી પણ નથી કરી.
હાઇકૉર્ટે કહ્યું કે ગોવા સરકાર દ્વારા આપવામાં આવેલ શો કૉઝ નૉટિસ પણ સ્મૃતિ ઇરાની કે તેમની દીકરીના નામે જાહેર કરવામાં આવ્યું નથી. પહેલીવારમાં જોતા લાગે છે કે અરજીકર્તા સ્મૃતિ ઇરાનીએ જે દસ્તાવેજ રજૂ કર્યા છે તે તેમના પક્ષને મજબૂત બનાવે છે.
કૉર્ટે પોતાના આદેશમાં એ કહ્યું કે જો કૉંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ/પોસ્ટને સોશિયલ મીડિયા પર રહેવા દેશે તો તેથી સ્મૃતિ ઇરાની અને તેમના પરિવારની છબિને ઘણું નુકસાન પહોંચશે.
શુક્રવારે દિલ્હી હાઇકૉર્ટે કૉંગ્રેસ નેતા જયરામ રમેશ, પવન ખેડા અને નેટા ડિસૂઝાને ટ્વીટ ખસેડવા માટે કહ્યું હતું. તેમણે 24 કલાકની અંદર ટ્વીટ ખસેડવા માટે આદેશ આપ્યા હતા. હાઇકૉર્ટે કહ્યું કે જો તે ટ્વીટ ડિલીટ નહીં કરે તો સોશિયલ મીડિયા કંપની તે ખસેડે.
જણાવવાનું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ બે કરોડ રૂપિયાની માનહાનિ માટે દિલ્હી હાઇકૉર્ટમાં સિવિલ સૂટ દાખલ કરી છે. હકિકતે હાઇકૉર્ટે આ મામલે કૉંગ્રેસ નેતાઓને સમન પાઠવીને 18 ઑગસ્ટ સુધી જવાબ નોંધાવવાનો સમય આપ્યો છે. આગામી સુનાવણી 15 નવેમ્બરના થશે.