નીતીશ કુમારે બિહારના રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

18 November, 2025 08:39 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

૧૭મી વિધાનસભા ૧૯ નવેમ્બરે થશે ભંગ: ૨૦ નવેમ્બરે ગુરુવારે ગાંધી મેદાનમાં શપથગ્રહણ સમારોહમાં દસમી વાર મુખ્ય પ્રધાન બનશે

ગઈ કાલે નીતીશ કુમારે બિહારના ગવર્નરને મળીને રાજીનામું આપ્યું હતું.

નીતીશ કુમારે ગઈ કાલે બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજીનામું સુપરત કર્યું હતું. આ પહેલાં સરકારની અંતિમ કૅબિનેટ બેઠકમાં વિધાનસભા ભંગ કરવાની ભલામણને મંજૂર કરવામાં આવી હતી. ૧૯ નવેમ્બરે વિધાનસભા ભંગ કરવાનો ઠરાવ નીતીશ કુમારની અધ્યક્ષતામાં ૧૦ મિનિટની બેઠકમાં સર્વાનુમતે મંજૂર થયો હતો.

જનતા દળ (યુનાઇટેડ) JD(U)ના પ્રમુખ નીતીશ કુમાર ૨૦ નવેમ્બરે, ગુરુવારે દસમી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શપથગ્રહણ સમારોહમાં હાજરી આપે એવી શક્યતા છે. ઓછામાં ઓછા એક નાયબ મુખ્ય પ્રધાનનું નામ જાહેર થવાની ધારણા છે.

ગઠબંધન ભાગીદારો વચ્ચેની વાતચીતમાં કૅબિનેટ બર્થ માટે ફૉર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. JD(U) અને BJPની સાથે નાના સાથી-પક્ષો, ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોકજનશક્તિ પાર્ટી (રામ વિલાસ) (LJP (RV), જિતનરામ માંઝીની આગેવાની હેઠળની હિન્દુસ્તાની અવામ મોર્ચા-સેક્યુલર (HAM-S) અને ઉપેન્દ્ર કુશવાહાની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોક મોર્ચા (RLM) નવી સરકારનો ભાગ બનશે.

નવા રાજ્ય મંત્રીમંડળમાં LJP (RV)ને ત્રણ સ્થાન મળવાની શક્યતા છે જ્યારે HAM-S અને RLMને એક-એક સ્થાન મળે એવી શક્યતા છે. ગુરુવારે BJPના મહત્તમ ૧૬ પ્રધાનો અને JD(U)ના ૧૪ પ્રધાનો અને મુખ્ય પ્રધાન શપથ લેશે.

માત્ર ૧ સીટથી બચી લાલુના લાલની વિપક્ષના નેતાની ખુરસી 

બિહારની ચૂંટણીમાં જબરદસ્ત હાર મળ્યા પછી RJDમાં પૉલિટિકલ અને પારિવારિક ડખા ચરમસીમાએ પહોંચ્યા છે. ગઈ કાલે RJDએ હારની સમીક્ષા કરવા માટે બેઠક કરી હતી જે ચાર કલાક ચાલી હતી. આ બેઠકમાં RJDના ચીફ લાલુ યાદવ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડીદેવી અને સંસદસભ્યો સહિત વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં. આ મીટિંગમાં તેજસ્વી યાદવને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કોઈ પણ વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે મિનિમમ ૧૦ ટકા બેઠકો પર જીત મેળવવી જરૂરી છે. બિહાર વિધાનસભામાં ૨૪૩ સીટો છે અને એના ૧૦ ટકા એટલે ૨૪ બેઠક પર જીત જરૂરી હતી. RJD માંડ એક જ સીટના માર્જિનથી તેજસ્વી યાદવનું વિપક્ષના નેતાનું પદ બચી ગયું હતું.

national news india nitish kumar bihar bihar elections political news indian politics