13 February, 2024 09:05 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
નીતિશ કુમાર
પટના : બિહારમાં નીતીશકુમારના નેતૃત્વ હેઠળની સરકારે સત્તા મેળવ્યાના ૧૫ દિવસ પછી ગઈ કાલે વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો હતો. આગેવાની હેઠળની નવી સરકારે સત્તા પ્રાપ્ત કર્યાના ૧૫ દિવસ બાદ સોમવારે ગૃહમાં વિશ્વાસ-મત જીતી લીધો છે. સરકારની વિરુદ્ધમાં એકેય મત નહોતો, કારણ કે વિરોધ પક્ષે મતદાન પહેલાં જ ગૃહમાંથી વૉકઆઉટ કર્યો હતો.
આરજેડી સાથે છેડો ફાડીને બીજેપી સાથે હાથ મિલાવનાર નીતીશકુમારે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘આ પહેલાં મને આમનાં (તેજસ્વી યાદવ) માતા-પિતા સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. શું થયું ત્યારે બિહારનું? એ વખતે કોઈ રાતના સમયે ઘરમાંથી બહાર નીકળવાની હિંમત કરી શકતું હતું? શું એ વખતે રસ્તાઓ હતા? કમા રહે થે યહ લોગ. મેં તેમને માન આપ્યું, પણ સાવ વ્યર્થ. મને તેમના ગોટાળાઓની ખબર પડી.’
નીતીશ સરકારે ગૃહમાં વિશ્વાસ-મત જીતતાંની સાથે જ બિહારમાં છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલી રાજકીય રમત અને અટકળોનો એક રીતે અંત આવ્યો હતો. વાસ્તવમાં ગૃહમાં ફ્લોર-ટેસ્ટ પહેલાં વિપક્ષ એટલે કે મહાગઠબંધન દ્વારા સરકાર લઘુમતીમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ફ્લોર-ટેસ્ટમાં વિપક્ષનો આ દાવો ખોટો સાબિત થયો હતો. ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભામાં કુલ ધારાસભ્યની સંખ્યા ૨૪૩ છે. ગૃહમાં બહુમત સાબિત કરવા માટે ૧૨૨ ધારાસભ્યનું સમર્થન જરૂરી છે, પરંતુ ફ્લોર-ટેસ્ટમાં નીતીશ સરકારને આ સંખ્યા કરતાં વધુ ધારાસભ્યોનો ટેકો મળ્યો હતો.
એનડીએએ શરૂઆતથી જ દાવો કર્યો હતો કે એની પાસે ૧૨૮નું સંખ્યાબળ છે, જેમાં બીજેપીના ૭૮, જેડી-યુના ૪૫, એચએએમના ૪ અને એક અપક્ષ સુમીત કુમાર સિંહનો સમાવેશ થાય છે, ગઈ કાલે જેડી-યુ ધારાસભ્ય દળની બેઠકમાં પાંચ ધારાસભ્યો આવ્યા નહોતા, જ્યારે બે વિધાનસભ્ય બીજેપીની બેઠકમાં હાજર રહ્યા નહોતા.
આ પહેલાં તેજસ્વી યાદવે નીતીશકુમારને ટાર્ગેટ કરતાં કહ્યું હતું કે ‘તમે જાણ કર્યા વિના ગવર્નર હાઉસ ગયા. કમસે કમ તમારે પૂછવું જોઈતું હતું અને કોઈ મૂંઝવણ હતી તો કહેવી જોઈતી હતી.’ નીતીશકુમાર પર નિશાન સાધતાં તેજસ્વીએ કહ્યું કે ‘હું તમને ૯ વખત સીએમ બનવા બદલ અભિનંદન આપું છું, પરંતુ એક જ ટર્મમાં ૩ વખત સીએમ બનવાનો આ અદ્ભુત નઝારો મેં પહેલી વાર જોયો છે.’