બિહારમાં આજે વિશ્વાસનો મત લેશે નીતીશકુમાર સરકાર

12 February, 2024 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિહારની ૨૪૩ સભ્યવાળી વિધાનસભામાં આરજેડીના સૌથી વધુ ૭૯ ધારાસભ્ય છે. 

નીતિશ કુમાર

પટના : બિહારમાં આજે નીતીશ સરકારની જનતા દળ (યુ) અને બીજેપીની યુતિવાળી સરકાર વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે એ પહેલાં બન્ને પક્ષના અમુક વિધાનસભ્યો પોતપોતાના કૅમ્પમાં ન દેખાતાં ખેલા થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગઈ કાલે પહેલાં તો મુખ્ય વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના છ વિધાનસભ્યો ગુમ થતાં ​અફવાબજાર ગરમ હતી. આરજેડી અને કૉન્ગ્રેસના વિધાનસભ્યોને ભેગા જ રાખવામાં આવ્યા છે અને આવતી કાલે વિશ્વાસના મત સુધી તેઓ ત્યાં જ રહેશે.

બીજી તરફ જેડી (યુ)ના એક પ્રધાનને ત્યાં ગઈ કાલે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યાં જનતા દળના તમામ વિધાનસભ્યો ભેગા થયા હતા. જોકે એમાં જેડી (યુ)ના ચાર વિધાનસભ્યો ન પહોંચતાં ફરી અટકળોએ જોર પકડ્યું હતું.

બિહાર વિધાનસભામાં આજે નીતીશ સરકારની ફ્લોર ટેસ્ટ થવાની છે. ધારાસભ્યોના તૂટવાના ડરથી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવે પાર્ટીના ધારાસભ્યોને પોતાના સત્તાવાર આવાસ પર રોક્યા છે. આ વચ્ચે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ અને તેમના ધારાસભ્યોનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેજસ્વી યાદવ ગીત ગાતા નજરે પડી રહ્યા છે. વિડિયોમાં તેજસ્વી યાદવ રાતે પોતાના ધારાસભ્યોની સાથે બેઠેલા નજરે પડી રહ્યા છે. આ દરમ્યાન તેજસ્વી યાદવ પોતાના ધારાસભ્યોની સાથે ‘ના છેડો હમે, હમ સતાયે હુએ હે...’ ગીત ગાઈ રહ્યા છે.

બિહારની ૨૪૩ સભ્યવાળી વિધાનસભામાં આરજેડીના સૌથી વધુ ૭૯ ધારાસભ્ય છે. 

national news nitish kumar bihar elections bihar