07 September, 2022 04:44 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નીતિશ કુમાર અને શરદ પવાર
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે વિપક્ષી એકતાના મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.
બિહારના સીએમ નીતિશ કુમાર આ દિવસોમાં દિલ્હીની ચાર દિવસની મુલાકાતે છે અને અહીં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ વાતચીતનું મુખ્ય કારણ આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષને એક કરવાનું છે. જેથી 2024માં ભાજપના વિજય રથને રોકી શકાય.
બુધવારે, શરદ પવારને મળ્યા પહેલા નીતિશ કુમાર ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ)ના જનરલ સેક્રેટરી દીપાંકર ભટ્ટાચાર્યને મળ્યા હતા.
`હું પીએમ પદનો ઉમેદવાર નથી`
નીતીશ કુમારે ગયા મહિને બિહારમાં ભાજપ સાથે ગઠબંધન તોડીને આરજેડી સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યારથી વિપક્ષ સતત એકતા પર જોર આપી રહ્યું છે. નીતીશ કુમારે મંગળવારે કહ્યું કે તેઓ ન તો વડાપ્રધાન પદના ઉમેદવાર છે અને ન તો તેના માટે મહત્વાકાંક્ષી છે પરંતુ તેમનો ઉદ્દેશ્ય ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓને એક કરવાનો છે.
તાજેતરમાં શરદ પવારે પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પીએમ પદના ઉમેદવાર નથી. સાથે જ તેમણે કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓને એક કરવા માટે સતત વાતચીત ચાલી રહી છે.
આ પહેલા મંગળવારે તેઓ ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સપાના કન્વીનર મુલાયમ સિંહ યાદવને મળ્યા હતા. આ દરમિયાન સપા પ્રમુખ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ ત્યાં હાજર હતા. મુલાયમ સિંહ યાદવને મળ્યા પહેલા તેઓ હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને પણ મળ્યા હતા.
નીતિશ રાહુલ ગાંધી અને કેજરીવાલને પણ મળ્યા છે
બિહારના સીએમ સોમવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. આ પછી મંગળવારે તેઓ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. કેજરીવાલ પહેલા, કુમારે તેમની પાર્ટી કાર્યાલયમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ-એમ)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ)ના જનરલ સેક્રેટરી ડી. રાજાને પણ મળ્યા હતા.