હવે તમારી રસોઈમાં નેપાલી ટમેટાંનો ઉપયોગ થઈ શકશે

11 August, 2023 09:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નાણાપ્રધાને જણાવ્યું કે કિંમતોને કન્ટ્રોલ કરવા માટે સરકાર આયાત કરી રહી છે ટમેટાં

નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદભવન ખાતે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (તસવીર : પી.ટી.આઇ.)

દેશમાં ટમેટાંની કિંમતોમાં રેકૉર્ડ વધારાથી સામાન્ય લોકો પરેશાન છે. હવે આ મામલે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે જણાવ્યું હતું કે ભારત નેપાલથી ટમેટાંની આયાત કરશે. નેપાલી ટમેટાં પ્રમાણમાં સસ્તાં હોય છે.

સીતારમણે સંસદમાં પોતાની સ્પીચમાં જણાવ્યું કે આયાતનો પહેલો જથ્થો આજે ઉત્તર ભારતના વારાણસી, લખનઉ અને કાનપુર જેવાં શહેરોમાં પહોંચવાની શક્યતા છે. એના પછી અન્ય શહેરોમાં પણ ટમેટાં પહોંચે એવી શક્યતા છે.

દેશની ઇકૉનૉમી વિશે તેમણે જણાવ્યું હતું કે અત્યારે સમગ્ર દુનિયામાં આર્થિક સંકટ હોવા છતાં પણ ભારત વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધતું અર્થતંત્ર બન્યું છે. અમેરિકા અને ચીનનું ઉદાહરણ આપીને તેમણે જણાવ્યું હતું કે આ દેશની ઇકૉનૉમી મંદ થઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નીતિમાં સુધારો લાવ્યા. જેના કારણે આપણે કોરોનાના ખરાબ સમયગાળાને પાછળ છોડીને આગળ વધી શક્યા છીએ. આજે જનધન અને આયુષ્માન જેવી યોજનાઓ દ્વારા બધાનો વિકાસ થઈ રહ્યો છે.’

Lok Sabha nirmala sitharaman national news