28 July, 2024 08:36 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મમતા બેનર્જી
સરકારના જવાબ બાદ વીફરેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને કહ્યું કે ભવિષ્યમાં આવી બેઠકોમાં જવું કે નહીં એ મુદ્દે વિચાર કરીશ
દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની નવમી બેઠકમાં હાજર રહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ સનસનાટીભર્યો દાવો કરતાં કહ્યું હતું કે તેમને મીટિંગમાં બોલવા દેવામાં આવ્યાં નહોતાં, તેમનું માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું અને એથી તેમણે આ બેઠકનો બૉયકૉટ કર્યો હતો. આ બેઠકનો વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ પહેલાં જ બૉયકૉટ કર્યો હતો, પણ એકલાં મમતા બૅનરજી એમાં સામેલ થયાં હતાં. મમતા બૅનરજી કેન્દ્રીય બજેટમાં પશ્ચિમ બંગાળને થયેલા અન્યાયની વાત કરવા નીતિ આયોગની બેઠકમાં પહોંચ્યાં હતાં.
બેઠકનો બહિષ્કાર કરીને બહાર આવેલાં ધૂંઆપૂંઆ મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે ભેદભાવ કરવો જોઈએ નહીં. મારે બોલવું હતું, પણ મારું માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું. મને માત્ર પાંચ મિનિટ બોલવાનો સમય અપાયો હતો, મારા પહેલાંના વક્તાઓ ૧૦થી ૨૦ મિનિટ બોલ્યા હતા. આ બેઠકમાં હું એક માત્ર વિપક્ષના રાજ્યની મુખ્ય પ્રધાન ઉપસ્થિત હતી, પણ મને બોલવા દેવામાં આવી નહોતી. આ અપમાનજનક છે.’
જોકે મમતા બૅનરજીના આ દાવાને કેન્દ્ર સરકારે નકારી કાઢ્યો હતો. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે ‘મમતા બૅનરજીનું માઇક બંધ કરાયું નહોતું. આ દાવો ગેરમાર્ગે દોરનારો છે. તેમના ટેબલ પર મુકાયેલી ક્લૉક દર્શાવતી હતી કે તેમનો બોલવાનો સમય પૂરો થયો હતો. આ માટે બેલ પણ વાગી નહોતી.’
કલકત્તા પહોંચીને ગઈ કાલે મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘બેલ વારંવાર વાગતી હતી. મને એમ હતું કે વિપક્ષો વતી હું એકલી જ બોલીશ. બીજાં રાજ્યોને વધારે ફન્ડ મળે એનાથી અમને વાંધો નથી, પણ અમને શા માટે ભંડોળ આપવામાં આવતું નથી, એ સવાલ છે. રાજ્યોને બધી ચીજો સાચવવી પડે છે. જો રાજ્યોને વિકલાંગ બનાવવામાં આવે તો કેન્દ્ર પણ વિકલાંગ બનશે. મારા પહેલાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ ૨૦ મિનિટ માટે બોલ્યા હતા. ચાર અન્ય રાજ્યના મુખ્ય પ્રધાનો ૧૫-૧૫ મિનિટ બોલ્યા હતા. હું પાંચ મિનિટ બોલી એ પછી મને રોકી દેવામાં આવી. આથી મેં કહ્યું કે જો મને બોલવા દેવામાં નહીં આવે અને તમને સાંભળવામાં રસ ન હોય તો હું આ મીટિંગનો બૉયકૉટ કરીશ. વિપક્ષો શાસિત રાજ્યોમાંથી હું એકલી મુખ્ય પ્રધાન હતી અને મને ૩૦ મિનિટનો સમય મળવો જરૂરી હતો. હું સિનિયર રાજકારણી છું, છ વારની સંસદસભ્ય છું. આમ છતાં મને બોલવા નહીં દેવા માટે બેલ વગાડવામાં આવી હતી. ભવિષ્યમાં આવી બેઠકોમાં હાજર રહેવું કે નહીં એ વિશે હું વિચાર કરીશ. વિપક્ષની ઇમેજ ખરડાવવાનો આ પ્રયાસ છે.’
મમતા બૅનરજી ખોટું બોલવાનું બંધ કરે : નિર્મલા સીતારમણ
મમતા બૅનરજીને મીટિંગમાં બોલવા માટે પૂરતો સમય મળ્યો હતો, એમ જણાવીને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘અમે આ બેઠકમાં દરેકને સાંભળ્યા હતા. દરેક મુખ્ય પ્રધાનને સમય અલૉટ કરવામાં આવ્યો હતો, જે તેમના ટેબલની સ્ક્રીન પર દેખાતો હતો. તેમણે મીડિયાને એમ કહ્યું કે તેમનું માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું જે સરાસર જૂઠ છે. જૂઠ પર નેરેટિવ બનાવવાનું તેઓ બંધ કરે. દરેક મુખ્ય પ્રધાનને પૂરતો સમય અપાયો હતો. મમતા બૅનરજીએ જે આરોપ લગાવ્યો એ દુર્ભાગ્યપૂર્ણ છે.’