17 February, 2023 10:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નિક્કી યાદવ અને સાહિલ ગેહલોટ
નવી દિલ્હી : દિલ્હીના નિક્કી મર્ડર કેસમાં એક મોટો ખુલાસો થયો છે. તેના બૉયફ્રેન્ડ સાહિલ ગેહલોટે નિક્કીનું મર્ડર નવ નહીં, પરંતુ દસમી ફેબ્રુઆરીએ સવારે સાડાઆઠ-નવ વાગ્યાની વચ્ચે કર્યું હતું. એ જ દિવસે સાહિલના મૅરેજ થવાનાં હતાં. સાહિલે પોલીસ પૂછપરછમાં દાવો કર્યો હતો કે તે મૂંઝવણ અનુભવતો હતો. એક તરફ નિક્કી તેને મૅરેજ કૅન્સલ કરીને પોતાની સાથે રહેવા કહેતી હતી. બીજી બાજુ ફૅમિલી મેમ્બર્સ તેના પર અરેન્જ મૅરેજ માટે પ્રેશર કરી રહ્યા હતા. સાહિલે નિક્કીના મર્ડર બાદ તેની વૉટ્સઍપ ચૅટ્સ પણ ડિલીટ કરી હતી.
સાહિલ અને નિક્કી એકબીજાને જાન્યુઆરી ૨૦૧૮થી જાણતાં હતાં. તેઓ બન્ને દિલ્હીના ઉત્તમ નગરમાં કોચિંગ માટે જતાં હતાં. સાહિલે પોલીસને જણાવ્યું હતું કે તે પોતાની સગાઈથી ૧૫ દિવસ પહેલાં સુધી નિક્કીની સાથે રહેતો હતો.
સાહિલે જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૨માં તેના ફૅમિલી મેમ્બર્સ તેને મૅરેજ માટે પ્રેશર કરી રહ્યા હતા, જેના પછી તેણે મૅરેજ માટે હા પાડી દીધી હતી. નવમી ફેબ્રુઆરીએ તેની સગાઈ થઈ અને દસમી ફેબ્રુઆરીએ મૅરેજ હતાં. સાહિલનાં મૅરેજની વાત નિક્કીને ખબર પડી તો તે અપસેટ થઈ ગઈ. નિક્કીએ સાહિલ પર મૅરેજ તોડવા માટે પ્રેશર પણ કર્યું હતું. નિક્કીએ સાહિલનાં મૅરેજના દિવસે તેની સાથે ગોવા જવાનો પણ પ્લાન બનાવ્યો હતો. નિક્કીની ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ હતી. જોકે સાહિલની ટિકિટ કન્ફર્મ નહોતી થઈ, જેના પછી નિક્કીએ બસ કે ટ્રેનથી હિમાચલ જવાનો પ્લાન બનાવ્યો હતો.
સાહિલની સગાઈ નવમી ફેબ્રુઆરીએ થઈ હતી, જે દરમ્યાન તે ખૂબ ખુશ દેખાતો હતો. તેણે ફ્રેન્ડ્સની સાથે ડાન્સ અને મસ્તી પણ કરી હતી. સગાઈને લઈને તેની નિક્કીની સાથે લડાઈ પણ થઈ હતી, જેના પછી તે રાત્રે એક વાગ્યે પોતાના ભાઈની કારને લઈને નિક્કીને મળવા તેના ફ્લૅટ પર પહોંચ્યો હતો, જ્યાં તે સવારે પાંચ વાગ્યા સુધી નિક્કીની સાથે રહ્યો હતો. એ દરમ્યાન તેણે નિક્કીને બહાર ફરવા જવા માટે મનાવી હતી.
એ દરમ્યાન તેમની હિમાચલ જવાની વાત થઈ. તેઓ બન્ને કારથી નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પહોંચ્યાં. જોકે તેમને ખબર પડી કે તેમણે આનંદવિહારથી બસ પકડવી પડશે. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે મૅરેજના દિવસે ઘરે ન હોવાના કારણે સાહિલના ફૅમિલી મેમ્બર્સ સતત તેને ફોન કરતા રહ્યા હતા. સાહિલે છેલ્લા સમયે હિમાચલના બદલે ઘરે જવાની વાત કહી હતી, જેને લઈને બન્ને વચ્ચે લડાઈ થઈ હતી, જેના પછી ગેહલોટે નિક્કીનું ગળું દબાવી દીધું હતું. સાહિલે પૂછપરછમાં જણાવ્યું હતું કે તે ખૂબ મૂંઝવણ અનુભવતો હતો કે નિક્કીની સાથે રહે કે પછી ફૅમિલી મેમ્બર્સની વાત માને.