25 September, 2024 08:37 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ
દેશમાં રેલવે-ટ્રૅક પર ગૅસ-સિલિન્ડર, મોટા પથ્થર અને લોખંડના સળિયા સહિતની આઇટમો મૂકવાના કેસમાં ઉછાળો આવ્યો હોવાથી સાબદી બનેલી રેલવેએ હવે તપાસનો વ્યાપ વધાર્યો છે.
આ મુદ્દે જયપુરમાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું કે ‘આખું રેલવે તંત્ર અલર્ટ પર છે. રેલવે તમામ રાજ્ય સરકારો, પોલીસવડા અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સાથે મળીને કામ કરી રહી છે, જેથી આવું કૃત્ય કોણ કરે છે એની જાણ થઈ શકે. અમે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે, કારણ કે આમાં ષડ્યંત્રકારોનો પ્રવાસીઓને હાનિ પહોંચાડવાનો અને દેશની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ઇરાદો છે. કોઈ પણ વ્યક્તિ દુર્ઘટના સર્જવાની કોશિશ કરશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ અમારી પ્રતિબદ્ધતા છે. આવા ગુનાઓની જડ સુધી પહોંચવા તમામ ઝોનના રેલવે સુરક્ષા દળના અધિકારીઓ કામ કરી રહ્યા છે. આ કેસની તપાસમાં NIAની ભૂમિકા શું હશે એ વિશે રેલવેપ્રધાને વધારે જાણકારી આપી નહોતી.