News In Shorts : હીટવેવથી લોકોના જીવ બચાવવા સરકાર ઍક્શન મોડમાં

21 June, 2023 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય અને હવામાન વિભાગના સિનિયર અધિકારીઓ ધરાવતી પાંચ સભ્યોની ટીમ જ્યાં હીટવેવથી ગંભીર પરસ્થિતિ છે એવાં રાજ્યોની મુલાકાત લેશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

હીટવેવથી લોકોના જીવ બચાવવા સરકાર ઍક્શન મોડમાં

ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી અત્યંત ગરમીના કારણે લોકોનાં મોત અને હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ રહી હોવાના ન્યુઝ આવી રહ્યા છે ત્યારે આ મામલે ​દેશની તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ગઈ કાલે એક મીટિંગ યોજાઈ હતી. આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય અને હવામાન વિભાગના સિનિયર અધિકારીઓ ધરાવતી પાંચ સભ્યોની ટીમ જ્યાં હીટવેવથી ગંભીર પરસ્થિતિ છે એવાં રાજ્યોની મુલાકાત લેશે. જ્યાં તાપમાનમાં વધારો થયો છે એવાં રાજ્યોના આરોગ્યપ્રધાનોની સાથે એક વર્ચ્યુઅલ મીટિંગ કરાશે.

કેન્દ્ર સરકાર કોરોનાનાં નવાં વેરિઅન્ટ્સ માટે હાઈ અલર્ટ

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે કોવિડ હવે એન્ડેમિક બનવાના કિનારે છે, પરંતુ ઇન્ડિયન સાયન્ટિસ્ટ્સ દરેક નવા વેરિઅન્ટ પર નજર રાખી રહ્યા છે અને સરકાર સતત હાઈ અલર્ટની સ્થિતિ જાળવી રાખશે. એન્ડેમિક એટલે કે આ વાઇરસ સતત કમ્યુનિટીઝમાં સર્ક્યુલેટ થયા કરશે, પરંતુ પ્રમાણમાં એને મૅનેજ કરી શકાશે. આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે સિચુએશન અત્યારે સ્થિર છે, પરંતુ જીવલેણ પુરવાર થઈ શકે એવા કોઈ પણ વેરિઅન્ટને વિનાશ ફેલાવતા રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવાશે. 

ચીન પાકિસ્તાનના પંજાબમાં ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે

ચીને આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સાથે ૧૨૦૦ મેગાવૉટનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ૪.૮ અબજ ડૉલર (૩૯૪.૦૨ અબજ રૂપિયા)ના મૂલ્યના એક કરાર પર ગઈ કાલે હસ્તાક્ષર કર્યા હતા, જે ભારતના બે મુખ્ય દુશ્મન દેશો વચ્ચે વધી રહેલા વ્યુહાત્મક સહકારની નિશાની છે. આ ડીલના ભાગરૂપે ચીન પાકિસ્તાનના પંજાબના મિનાવાલી જિલ્લામાં ચાશમા ખાતે ૧૨૦૦ મેગાવૉટનો ચાશમા-વી ન્યુક્લિયર પ્લાન્ટ ઊભો કરશે.

ચીને ૨૬/૧૧ મુંબઈ ટેરર અટૅક્સના કેસમાં વૉન્ટેડ આતંકવાદીને બચાવ્યો

સંયુક્ત રાષ્ટ્રમાં ચીને ૨૬/૧૧ મુંબઈ ટેરર અટૅક્સના કેસમાં વૉન્ટેડ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તય્યબાના આતંકવાદી સાજિદ મીરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા માટેના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને ગઈ કાલે અટકાવ્યો હતો. મીરને ગ્લોબલ ટેરરિસ્ટ તરીકે યુએનની સુરક્ષા પરિષદની ૧૨૬૭ અલ કાયદા પ્રતિબંધ કમિટી હેઠળ બ્લૅકલિસ્ટ કરવા તેમ જ તેની સંપત્તિ ફ્રીઝ કરવા, ટ્રાવેલિંગ કરવા અને હથિયારો રાખવા પર પ્રતિબંધ મૂકવા માટે ભારતના સપોર્ટથી અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને ચીને અટકાવ્યો હતો.

heat wave united nations china pakistan uttar pradesh bihar coronavirus national news