17 September, 2023 10:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લંડન: બ્રિટિશ સરકારે વિઝા ફીમાં વધારો ચોથી ઑક્ટોબરથી અમલમાં આવવાની જાહેરાત કરી છે, જેના પછી છ મહિના કરતાં ઓછા સમય માટેના વિઝિટ વિઝા માટે વધુ ૧૫ પાઉન્ડ (૧૫૪૩.૭૩ રૂપિયા), જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે વધુ ૧૨૭ પાઉન્ડ (૧૩,૦૭૦.૨૮ રૂપિયા) ખર્ચવા પડશે. સંસદમાં શુક્રવારે બિલ રજૂ કરવામાં આવ્યા બાદ યુકેના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે આ ફેરફારોથી છ મહિનાથી ઓછા સમયગાળા માટેના વિઝિટ વિઝા માટેનો ખર્ચ વધીને ૧૧૫ પાઉન્ડ (૧૧,૮૩૫.૩૦ રૂપિયા) થયો છે, જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરવા માટેની ફી વધીને ૪૯૦ પાઉન્ડ (૫૦,૪૨૮.૬૬ રૂપિયા) થઈ છે.
નવી દિલ્હી: એક અનાથ તો અનાથ જ હોય છે, પછી તેના પેરન્ટ્સનું મૃત્યુ ગમે એ રીતે થયું હોય. સુપ્રીમ કોર્ટે આમ જણાવીને કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે કોરોનાની મહામારી દરમ્યાન અનાથ થયેલાં બાળકો માટેની યોજનાઓના લાભો તમામ અનાથોને આપવા માટેના ઉપાયો છે કે નહીં. ચીફ જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચુડ અને જસ્ટિસિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે શુક્રવારે સરકારને કહ્યું હતું કે ‘એક અનાથ તો અનાથ જ છે, પછી તેના પેરન્ટ્સનું મૃત્યુ અકસ્માતના કારણે થયું હોય કે બીમારીના કારણે. શું કોરોનાની મહામારી દરમ્યાન અનાથ થયેલાં બાળકો માટેની યોજનાઓના લાભોને અન્ય અનાથ બાળકોને આપી શકાય કે નહીં.’
લખનઉ: ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ૩૦થી વધારે લોકેશન્સ પર દરોડા પાડ્યા બાદ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને સમાજવાદી પાર્ટીના લીડર આઝમ ખાને ૮૦૦ કરોડ રૂપિયાની કરચોરી કરી હોવાની શંકા છે. ખાન વિરુદ્ધના કરચોરીના કેસમાં આઇટીના દરોડાની શરૂઆત બુધવારે થઈ હતી અને શુક્રવારે એનો અંત આવ્યો હતો. ખાનના ગઢ રામપુરની સાથે ઉત્તર પ્રદેશમાં સહારનપુર, લખનઉ, મેરઠ અને ગાઝિયાબાદમાં તેમ જ મધ્ય પ્રદેશમાં કેટલાંક લોકેશન્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટની તપાસના કેન્દ્રસ્થાને ખાન અને તેના ફૅમિલી મેમ્બર્સ દ્વારા ચલાવવામાં આવતાં કેટલાંક ટ્રસ્ટ્સ છે.
નવી દિલ્હી: કૅનેડામાં ભારતવિરોધી ઍક્ટિવિટીઝ તેમ જ ઇન્ડિયન ડિપ્લૉમેટિક મિશન્સની ઑફિસો પર ખાલિસ્તાનીઓના હુમલા વધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૅનેડાના લીડરને ઠપકો આપ્યો હતો, જેના પછી હવે કૅનેડાએ જણાવ્યું છે કે એણે ભારત માટેના એક ટ્રેડ મિશનને મોકૂફ રાખ્યું છે. આ ટ્રેડ મિશન ઑક્ટોબરમાં ભારતમાં આવવાનું હતું. બન્ને દેશોએ આ વર્ષની શરૂઆતમાં જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેની પ્રારંભિક વેપાર સંધિ આ વર્ષે જ તેઓ કરવા ઇચ્છે છે. જોકે દ્વિપક્ષીય મુક્ત વેપાર સંધિ માટેની વાતચીતને હવે અટકાવી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
ચેન્નઈઃ સનાતન ધર્મ બાબતે ચાલી રહેલી ચર્ચા વચ્ચે મદ્રાસ હાઈ કોર્ટે જણાવ્યું હતું કે સનાતન ધર્મ શાશ્વત કર્તવ્યોનો સેટ છે; જેમાં દેશ, રાજા, પોતાના પેરન્ટ્સ અને ગુરુઓ પ્રત્યેની કર્તવ્ય અને ગરીબોની કાળજી સામેલ છે. જસ્ટિસે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘બોલવાની આઝાદી એ મૂળભૂત અધિકાર છે, પરંતુ એ નફરતભર્યાં ભાષણો આપવાની મંજૂરી આપતો નથી.’ એલનગોવન નામની એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ એન. શેષસાયીએ આ વાતો જણાવી હતી.
હૈદરાબાદ: કૉન્ગ્રેસે ગઈ કાલે ‘એક દેશ, એક ચૂંટણી’ના આઇડિયાને ફગાવી દીધો હતો. એને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગની ચર્ચાઓ વિશે જાણકારી આપતાં પાર્ટીના લીડર પી. ચિદમ્બરમે કહ્યું હતું કે ‘બીજેપીની પાસે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓને એકસાથે કરાવવા માટે જરૂરી બંધારણીય સુધારા કરાવવા માટે પૂરતું સંખ્યાબળ નથી.