11 January, 2025 05:25 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
સ્પ્લેન્ડર બાબા
કુંભમેળામાં દિવ્યાંગ એવા સ્પ્લેન્ડર બાબા ગુજરાતથી થ્રી-વ્હીલર મોટરસાઇકલ પર ૧૪ દિવસનો પ્રવાસ કરીને સંગમનગરી પહોંચ્યા છે. પોતાના વિશે જાણકારી આપતાં સ્પ્લેન્ડર બાબાએ કહ્યું હતું કે ‘મારો આશ્રમ રાજકોટ અને અમદાવાદ વચ્ચે છે. હું કુંભમેળામાં ગુજરાતથી આવ્યો છું અને હું તમામ સાધુઓ અને સનાતન ધર્મને આદર આપવા અહીં પહોંચ્યો છું. પોલિયોને કારણે હું દિવ્યાંગજન છું. હું ત્રણ વર્ષનો હતો ત્યારે મને પોલિયો થયો હતો. ગુજરાતથી અહીં આવવા માટે મને ૧૪ દિવસ લાગ્યા છે. મારે અહીં ચાર દિવસ રહેવું છે અને વરસાદને કારણે મારે રહેવા માટે એક સ્થાન પણ શોધવું પડશે. ૨૦૧૩ના કુંભમાં પણ હું આવ્યો હતો, પણ આ વખતે અહીં ઘણું સારું લાગે છે, વાતાવરણ દિવ્ય છે.’
સનાતન ધર્મનો ફેલાવો કરવાનું બવંડર બાબાનું મિશન બીડીના બંડલ પર ભગવાન શિવનો ફોટોકેમ?
બવંડર બાબા આશરે એક લાખ કિલોમીટરનો પ્રવાસ કરીને પ્રયાગરાજ પહોંચ્યા છે. બવંડર બાબાનું મિશન સનાતન ધર્મનો ફેલાવો કરવાનું છે. હિન્દુઓ પોતે દેવી-દેવતાનું અપમાન કરે છે એ બાબત તેમને ખટકે છે. તેઓ કહે છે, ‘મને એ વાત સમજાતી નથી કે ખુદ હિન્દુઓ શા માટે દેવી-દેવતાનું સન્માન જાળવતા નથી? હું કુંભ ક્ષેત્રમાં છું અને મને અહીં બીડીનું બંડલ જોવા મળે છે જેના પર ભગવાન શિવનો ફોટો છે. આ મુદ્દે મેં ૧૪ રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખ્યો છે. આ બધું રોકવા માટે કંઈક પગલાં જરૂર લેવાશે એમ મને લાગે છે.’
શરીર પર વીંટાળી છે ૩૫ કિલોની રુદ્રાક્ષની માળાઓ,જન્મ ને મૃત્યુના ચક્કરમાંથી મોક્ષ મેળવવાની ચાહ
મધ્ય પ્રદેશના ઓમકારેશ્વરથી મહાકુંભમાં પહોંચેલા દિગંબર વિજય પુરી નામના નાગા સાધુએ શરીર પર માત્ર રુદ્રાક્ષની માળાઓ જ ધારણ કરી છે. તેમના શરીર પર કુલ સવા લાખ રુદ્રાક્ષ છે જેનું વજન આશરે ૩૫ કિલો છે.
શરીર પર આટલી મોટી સંખ્યામાં રુદ્રાક્ષ ધારણ કરવા વિશે બોલતાં નાગા સાધુ દિગંબર વિજય પુરીએ કહ્યું હતું કે ‘એનાથી મારા મનને શાંતિ મળે છે એટલે મેં રુદ્રાક્ષ ધારણ કર્યા છે. નાગા સાધુઓનું વસ્ત્ર અને આવરણ ભસ્મ હોય છે. હું મહાકુંભમાં સ્નાન, ધ્યાન, તપસ્યા અને ભજન કરીશ.’
નાગા સાધુ બનવા માટે કરવામાં આવતી તપશ્ચર્યા વિશે બોલતાં દિગંબર વિજય પુરીએ કહ્યું હતું કે ‘નાગા સાધુ બનવા માટે ૧૨થી ૧૩ વર્ષ સુધી કઠિન તપ કરવું પડે છે, પણ પછી જીવન સારું હોય છે. અમે ભજન કરીએ છીએ અને આનંદમાં રહીએ છીએ. શરીર પર રુદ્રાક્ષ ધારણ કર્યા છે. સમસ્ત યોનિઓમાંથી મુક્તિ માટે નાગા સાધુ બન્યો છું. અમે વીણા એટલા માટે ઉપાડી છે કે જન્મ અને મૃત્યુના વારંવારના ચક્રમાંથી મુક્તિ મળી જાય.’