ન્યુઝ શોર્ટમાં : મણિપુરમાં લીવ પર ગયેલા સૈનિકની કિડનૅપ કરીને હત્યા કરવામાં આવી

18 September, 2023 08:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લિબિયાની ઑથોરિટી સામે લોકોમાં ભારે આક્રોશ; અનંતનાગમાં આતંકવાદીઓને ટાર્ગેટ કરવા અનેક મોર્ટાર શેલ્સ ફાયર કરાયા અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

મણિપુરમાં લીવ પર ગયેલા સૈનિકની કિડનૅપ કરીને હત્યા કરવામાં આવી

નવી દિલ્હી : મણિપુરમાં એક ગામમાં આર્મીના એક સૈનિકનું તેના ઘરમાંથી કિડનૅપ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. સૈનિક સર્તો થંગથાંગ કોમ લીવ પર હતો. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં તેના ઘરેથી શનિવારે તેને કિડનૅપ કરવામાં આવ્યો હતો. સવારે ૧૦ વાગ્યે કેટલાક અજાણ્યા લોકોએ તેને કિડનૅપ કરી લીધો હતો. તેનો દસ વર્ષનો દીકરો જ આ ક્રાઇમનો સાક્ષી છે. તેણે કહ્યું હતું કે ત્રણ જણ તેમના ઘરે ઘૂસ્યા હતા. આ લોકોએ સૈનિક કોમના માથે પિસ્ટલ મૂકી હતી અને તેને વાઇટ વેહિકલમાં લઈ ગયા હતા. તેનો મૃતદેહ ખુનિંગથેક ગામમાં મળ્યો હતો. આર્મીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘અમે સૈનિક સર્તો થંગથાંગ કોમની હત્યાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ મુશ્કેલ સમયમાં તેના પરિવારની પડખે છીએ.’ મણિપુરમાં વંશીય હિંસા પર હજી સુધી નિયંત્રણ મેળવી શકાયું નથી.

 

અનંતનાગમાં આતંકવાદીઓને ટાર્ગેટ કરવા અનેક મોર્ટાર શેલ્સ ફાયર કરાયા

અનંતનાગઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સિક્યૉરિટી ફોર્સિસે ગડોલે જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે પાંચમા દિવસે પણ ઑપરેશન ચાલુ રાખ્યું હતું. ગઈ કાલે સવારે જંગલમાં ગુફા જેવી જગ્યાએ છુપાયેલા આતંકવાદીઓને ટાર્ગેટ બનાવવા માટે અનેક મોર્ટાર શેલ્સ ફાયર કર્યા હતા. દરમ્યાન જ્યાં આતંકવાદીઓ છુપાયા છે ત્યાં આગ લાગી હોવાનું ગઈ કાલે બહાર આવ્યું હતું. બુધવારે આ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં આર્મીના કર્નલ, મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શહીદ થયા હતા.

 

લિબિયાની ઑથોરિટી સામે લોકોમાં ભારે આક્રોશ

હજી પણ દરિયાકાંઠે મોટા પ્રમાણમાં મૃતદેહો તરતા જોવા મળે છે, રાહત અને બચાવ-કામગીરી યોગ્ય રીતે થઈ નથી

​ત્રિપોલીઃ લિબિયામાં આવેલા ભયાનક પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો જીવતા રહેવાની આશા ઓછી હોવા છતાં આંતરરાષ્ટ્રીય સહાય પહોંચવા લાગી છે. તોફાનને કારણે પડેલા ભારે વરસાદના પ્રેશરમાં બે ડૅમ તૂટવાને કારણે ડેરના શહેર સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે.  આ વિસ્તારમાં પ્રવેશતી દરેક કારમાં રહેલા લોકોને સૈનિકો દ્વારા ફેસ-માસ્ક્સ આપવામાં આવે છે, કેમ કે આ વિસ્તારોની મુલાકાત લેનારા લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચારેબાજુ મૃતદેહો પડ્યા છે અને એની દુર્ગંધ અસહ્ય છે. હજી પણ દરિયાકાંઠે મોટા પ્રમાણમાં મૃતદેહો તરતા જોવા મળે છે. આ પૂરમાં બચી ગયેલા લોકોમાં ભારે આક્રોશ અને દુ:ખની લાગણી છે. ઑથોરિટીઝ દ્વારા રાહત અને બચાવ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી. આ હોનારતમાં પોતાના પરિવારના પાંચ મેમ્બર્સને ગુમાવનારા ફૅરિસ ઘેસ્સરે કહ્યું હતું કે ‘અમને ઘરે રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે અમને તોફાનની આગાહીથી ચેતવવા જોઈતા હતા. અહીં પૉલિટિક્સ રમાઈ રહ્યું છે.’

national news international news world news