midday

News in Shorts : ઝારખંડમાં પ્રકૃતિની પૂજા કરવાનો સરહુલ ફેસ્ટિવલ, જેમાં મહિલાઓ પહેલાં પૂજારીની પણ પૂજા કરે છે

02 April, 2025 02:55 PM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

ઝારખંડના આદિવાસીઓ ચૈત્ર મહિનામાં નવું વર્ષ પ્રારંભ થાય એ વખતે સરહુલ નામનો ફેસ્ટિવલ મનાવે છે. એમાં ‘સર’નો મતલબ થાય છે સાલનું ફૂલ અને હુલનો અર્થ થાય છે ક્રાન્તિ.
ઝારખંડમાં પ્રકૃતિની પૂજા કરવાનો સરહુલ ફેસ્ટિવલ, જેમાં મહિલાઓ પહેલાં પૂજારીની પણ પૂજા કરે છે

ઝારખંડમાં પ્રકૃતિની પૂજા કરવાનો સરહુલ ફેસ્ટિવલ, જેમાં મહિલાઓ પહેલાં પૂજારીની પણ પૂજા કરે છે

ઝારખંડના આદિવાસીઓ ચૈત્ર મહિનામાં નવું વર્ષ પ્રારંભ થાય એ વખતે સરહુલ નામનો ફેસ્ટિવલ મનાવે છે. એમાં ‘સર’નો મતલબ થાય છે સાલનું ફૂલ અને હુલનો અર્થ થાય છે ક્રાન્તિ. આ તહેવારમાં લોકો સાલના વૃક્ષની પૂજા કરે છે. ઝારખંડના આદિવાસીઓ પ્રકૃતિનાં જળ, જંગલ અને જમીનને પૂજનીય માને છે. પૂજા માટે તેઓ દરેક પૂજનીય ચીજોને જળ અર્પણ કરે છે. આ સીઝનમાં સારો પાક થાય એ માટેની વિધિ કરાવનાર પૂજારીની પણ મહિલાઓ જળાભિષેક દ્વારા પૂજા કરે છે. 

ગરમીમાં રાહતનો અહેસાસ આપે એવી ઍર-કન્ડિશન્ડ હેલ્મેટ આવી ગઈ


કાળઝાળ ગરમીમાં ભરતડકે રસ્તા પર ડ્યુટી બજાવતા ટ્રાફિક-પોલીસ માટે હરતાફરતા ઍર-કન્ડિશનની ગરજ સારે એવી હેલ્મેટ તૈયાર કરવામાં આવી છે. આ હેલ્મેટથી પોલીસોને કેટલો ફરક પડે છે એ જાણવા માટે ચેન્નઈમાં કેટલાક ટ્રાફિક-પોલીસો પર આ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ હેલ્મેટની અંદર જ ફૅન જેવું સાધન છે જે હવાને ફરતી રાખીને માથા અને ચહેરાને ટાઢક આપવાનું કામ કરે છે.

સાક્ષાત્ નવદુર્ગા

ચૈત્ર નવરાત્રિની ઉજવણી શિવજીના ધામ કાશીમાં પણ ખૂબ ધામધૂમથી થઈ રહી છે. અહીં કેટલીક બહેનોએ સાક્ષાત્ મા દુર્ગાના ૯ અવતાર ધારણ કરીને જાણે ધરતી પર ઊતર્યાં હોય એમ તૈયાર થઈને અસ્સી ઘાટ પર ખાસ પોઝ આપ્યો છે.

BMCના અધિકારીની બદલીના વિરોધમાં લોકોએ કર્યું પ્રદર્શન

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ‘એફ’ નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર નીતિન શુક્લાની બે મહિનાની અંદર જ બદલી કરવાના વિરોધમાં ગઈ કાલે સાયન, માટુંગા અને દાદરના ૧૫૦ જેટલા રહેવાસીઓએ વૉર્ડ-ઑફિસ પરિસરમાં પ્રદર્શન કર્યું હતું અને વારંવાર અધિકારીઓની બદલી કરવાથી વૉર્ડનાં કામોને અસર થતી હોવાનું કહ્યું હતું. રહેવાસીઓને મ્યુનિસિપલ એન્જિનિયર્સ અસોસિએશન અને મ્યુનિસિપલ મજદૂર યુનિયને પણ સમર્થન આપ્યું છે. 

નોકરી મેળવવા માગતા લોકોને રેલવેમાં નોકરી અપાવવાનું કહીને ૫૬ લાખ રૂપિયા પડાવી લીધા

બદલાપુરમાં નોકરી મેળવવા ઇચ્છતા લોકોને રેલવેમાં નોકરી અપાવીશું એમ કહીને ૩ ગઠિયાઓએ તેમની પાસેથી ૫૬ લાખ રૂપિયા પડાવી લીધા હતા. સપ્ટેમ્બર ૨૦૨૦થી જુલાઈ ૨૦૨૪ દરમ્યાન આ છેતરપિંડી કરવામાં આવી હતી. ગઠિયાઓએ આ માટે દરેક ઉમેદવાર પાસેથી મોટી રકમ પડાવી હતી. એની સામે એ લોકોને રેલવે તરફથી તેમનું સિલેક્શન થયું હોવાના બનાવટી ડૉક્યુમેન્ટ્સ આપ્યા હતા. આ કેસના પીડિતોએ જૉબ ન મળતાં પોતાના રૂપિયા પાછા માગ્યા ત્યારે તેમણે ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં હતાં. આખરે પીડિતોએ તેમની સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. એના આધારે બદલાપુર પોલીસે બદલાપુર, મુંબઈ અને ઝારખંડમાં રહેતા ૩ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી હતી. 

ઇફ્તારી વખતે ફ્રૂટની વહેંચણીમાં થયેલી બોલાચાલીમાં યુવાનની હત્યા

જોગેશ્વરી–વેસ્ટના ઓશિવરામાં રવિવારે રોઝા છોડ્યા બાદ કરવામાં આવતી ઇફ્તારી વખતે ફ્રૂટની વહેંચણીમાં થયેલી બોલાચાલીમાં વાત વણસી પડતાં ૨૦ વર્ષના મોહમ્મદ કૈફ ​રહીમ શેખની હત્યા કરવામાં આવી હતી. ૨૨ વર્ષના ઝફર ખાન અને અન્યોએ તેની હત્યા કરી હતી. મોહમ્મદ કૈફ અને ઝફર ખાન બન્ને બાળકો માટે ડ્રેસ બનાવતા કારખાનામાં કામ કરતા હતા. ઇફ્તારીમાં ફ્રૂટ વહેંચવામાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા મોહમ્મદ કૈફે ઝફર ખાનને તમાચો ચોડી દીધો હતો. એ પછી ઝફર ત્યાંથી નીકળી ગયો હતો. થોડી વાર બાદ ઝફર બીજા લોકોને લઈને આવ્યો હતો અને તેમણે મોહમ્મદ કૈફ પર હુમલો કરી તેના પેટમાં તીક્ષ્ણ હથિયાર હુલાવી દીધું હતું. ગંભીર ઈજા થતાં મોહમ્મદ કૈફનું મૃત્યુ થયું હતું.

jharkhand festivals navratri national news news new year chennai Weather Update Kashi brihanmumbai municipal corporation mumbai mumbai news