05 July, 2023 10:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાત અને આઠમી જુલાઈએ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણ અને રાજસ્થાનની મુલાકાત કરશે અને એ દરમ્યાન તેઓ લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના લગભગ ૫૦ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઉત્તર પ્રદેશ સિવાયનાં આ ત્રણ રાજ્યોમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડા પ્રધાન રાયપુર-વિશાખાપટ્ટનમ કૉરિડોરના સિક્સ-લેન સેક્શન્સ, ત્રણ રૂટ્સ પર વંદે ભારત ટ્રેનો, અમ્રિતસર-જામનગર એક્સપ્રેસવેનાં જુદા-જુદા સેક્શન્સ, ગોરખપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ માટે શિલાન્યાસ કરશે. એ સિવાય તેઓ ગ્રીન એનર્જી કૉરિડોર પહેલા તબક્કા માટે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇન પણ સમર્પિત કરશે.
ગુરુગ્રામમાં ગઈ કાલે ભારે વરસાદ બાદ દિલ્હી-ગુડગાંવ એક્સપ્રેસવેના પાણીમાં સમાયેલા સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા લોકો. તસવીર પી.ટી.આઇ.
તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટેના બ્યુટી-સલૂન્સ પર બૅન મૂક્યો છે. અફઘાનિસ્તાનની મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને આઝાદી પર સતત નિયંત્રણો મૂકવામાં આવી રહ્યાં છે. તેમને ઑલરેડી શિક્ષણ મેળવવાથી તેમ જ મોટા ભાગની રોજગારીથી વંચિત રાખવામાં આવી છે. તાલિબાન દ્વારા ચલાવવામાં આવતા સદ્ગુણો અને દુર્ગુણો મંત્રાલય માટેના પ્રવક્તા મોહમ્મદ સિદ્દીક અકીફ મહજરે આ પ્રતિબંધની વિગતો આપી નથી. તેમણે માત્ર એ વાત કન્ફર્મ કરી હતી. હવે અહીં બ્યુટી-સલૂન્સ પર બૅન રાજધાની કાબુલમાં જ નહીં, પરંતુ તમામ પ્રાંતમાં લાગુ કરવામાં આવ્યો છે.
ઑસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાનીઓની ગતિવિધિ જોવા મળી રહી છે. અહીં પણ ઇન્ડિયન ડિપ્લોમૅટ્સના ફોટોગ્રાફ્સવાળાં પોસ્ટર્સ મૂકવામાં આવ્યાં છે. ખાલિસ્તાની લીડર નિજ્જરની હત્યાથી અકળાયેલા ખાલિસ્તાનીઓના ટાર્ગેટ પર ઇન્ડિયન ડિપ્લોમૅટ્સ છે. મેલબર્નમાં આઠમી જુલાઈએ ખાલિસ્તાનીઓની માર્ચ થશે.
ભારતે કૅનેડાના હાઈ કમિશનર કૅમરૉન મૅકકૅને સોમવારે સમન્સ બજાવ્યા હતા અને ઓટાવામાં ઇન્ડિયન હાઈ કમિશન તેમ જ ટૉરોન્ટો અને વૅનકુવરમાં બે કૉન્સ્યુલેટ્સની બહાર આઠમી જુલાઈએ થનારા ખાલિસ્તાનીઓના વિરોધ-પ્રદર્શનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કૅનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા ઇન્ડિયન ડિપ્લોમૅટ્સનાં નામ સાથે ધમકી આપતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે. રિસન્ટ્લી ઉગ્રવાદીઓ દ્વારા સર્ક્યુલેટ કરવામાં આવેલાં પૅમ્ફ્લેટ્સમાં ઇન્ડિયન હાઈ કમિશનર સંજય કુમાર વર્મા, વૅનકુવરના કૉન્સ્યુલ જનરલ મનીષ, ટૉરન્ટોના કૉન્સ્યુલ જનરલ અપૂર્વ શ્રીવાસ્તવનાં નામ હતાં. દરમ્યાનમાં કૅનેડાએ આઠમી જુલાઈએ ‘ખાલિસ્તાન ફ્રીડમ રૅલી’ પહેલાં ઇન્ડિયન ડિપ્લોમૅટ્સની સેફ્ટીની ખાતરી આપી છે. ભારત સરકારે અવારનવાર કૅનેડામાં ખાલિસ્તાની ગતિવિધિનો મુદ્દો ત્યાંની સરકાર સમક્ષ ઉઠાવ્યો છે.
જાહેર ક્ષેત્રની ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ એલપીજી ગૅસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર સાત રૂપિયાનો વધારો કર્યો છે. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ભાવવધારા બાદ દિલ્હીમાં ૧૯ કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરની રીટેલ વેચાણ-કિંમત વધીને ૧૭૮૦ રૂપિયા થઈ છે.