15 September, 2023 09:05 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી: વિરોધ પક્ષોના ગઠબંધન ‘ઇન્ડિયા’એ ગઈ કાલે અનેક પ્લૅટફૉર્મ્સ પર ૧૪ ટીવી ઍન્કર્સના શોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. બીજેપીએ આ નિર્ણયને ઇમર્જન્સીની સાથે સરખામણી કરી હતી. આ લિસ્ટમાં સુધીર ચૌધરી અને ચિત્રા ત્રિપાઠી સહિત ૧૪ નામ છે. કૉન્ગ્રેસના લીડર પવન ખેડાએ એક્સ પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન ૧૪ ન્યુઝ ઍન્કર્સના શો અને ઇવેન્ટ્સમાં પોતાના પ્રતિનિધિ નહીં મોકલે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો દરમ્યાન બિલ્કિસબાનો ગૅન્ગરેપ અને તેના સાત ફૅમિલી મેમ્બર્સની હત્યાના કેસમાં ૧૧ દોષીઓની સજામાંથી મુક્તિ આપવાને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમ્યાન ગઈ કાલે જણાવ્યું હતું કે એવા કેટલાક દોષીઓ છે કે જેમને ‘વધુ લાભ’ આપવામાં આવી રહ્યો છે. જસ્ટિસિસ બી.વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયનની બેન્ચે દોષી રમેશ રુપાભાઈ ચંદનાના સિનિયર ઍડ્વોકેટ સિદ્ધાર્થ લુથરાને જણાવ્યું હતું કે ‘સજામુક્તિનો કન્સેપ્ટ અમે સમજીએ છીએ, એ સર્વસ્વીકૃત છે, પરંતુ અહીં તેઓ (પીડિતો અને અન્ય લોકો) અત્યારના કેસમાં સવાલ ઉઠાવી રહ્યા છે.’
કાશી: કાશીમાં કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય શ્રી શંકર વિજેન્દ્ર સરસ્વતીજીના વરદ હસ્તે ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ વિષ્ણુ પંડ્યાને ભારતીય ભાષા સન્માન પ્રાપ્ત થયું હતું. ૧૮ ભાષાના સાહિત્યકારોને સન્માન આપવામાં આવ્યું હતું. કાશીમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દી, સિંધી, સંસ્કૃત ઉર્દૂ, બંગાળી, ઉરિયા, પંજાબી, ભોજપુરી, આસામિયા અને વિવિધ ભાષાઓનું આ સન્માન હિન્દી દિવસ નિમિત્તે ‘હિન્દુસ્તાન સમાચાર’ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
દેહરાદૂનઃ બદરીનાથ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર ‘સિંહ દ્વાર’માં તિરાડો પડી છે. થોડાં અઠવાડિયાં પહેલાં પહેલી વખત તિરાડો જોવા મળી હતી. શરૂઆતમાં એવી આશંકા હતી કે જમીન ધસી જવાને કારણે કદાચ આ સ્થિતિ સર્જાઈ છે, કેમ કે બદરીનાથ જોશીમઠથી માત્ર ૪૦ કિલોમીટરના અંતરે છે. જ્યાં આ વર્ષની શરૂઆતમાં મોટા પાયે જમીન ધસી ગઈ હતી. નોંધપાત્ર છે કે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ રિપેરિંગ માટે પાંચ કરોડ રૂપિયાનો અંદાજ મોકલ્યો છે. આ તિરાડોને પહેલાં જૂના પથ્થરોથી ભરવામાં આવશે. જેથી એ વધે નહીં.
ઇસ્લામાબાદ: પાકિસ્તાન પાસે અંદાજે ૧૭૦ ન્યુક્લિયર હથિયારો છે અને અત્યારે જે રીતે એ ન્યુક્લિયર હથિયારોને વિકસાવી રહ્યું છે એ જોતાં ૨૦૨૫ સુધીમાં એની સંખ્યા વધીને લગભગ ૨૦૦ થઈ શકે છે. અમેરિકાના ટોચના ઍટોમિક સાયન્ટિસ્ટ્સે આ જાણકારી આપી હતી. ૧૧ સપ્ટેમ્બરે ઍટોમિક સાયન્ટિસ્ટ્સના બુલિટેનમાં પબ્લિશ કરવામાં આવેલી ન્યુક્લિયર નોટબુક કૉલમમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકન ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીનો ૧૯૯૯માં અંદાજ હતો કે પાકિસ્તાનની પાસે ૨૦૨૦માં ૬૦થી ૮૦ ન્યુક્લિયર હથિયારો રહેશે, પરંતુ એ પછીથી જે રીતે અનેક નવી વેપન સિસ્ટમ્સ ડેવલપ કરવામાં આવી છે એ જોતાં અંદાજ વધારવામાં આવ્યો છે.