07 February, 2024 09:13 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : દિલ્હી પોલીસે જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સક્રિય લશ્કર-એ-તૈયબા મૉડ્યુલના એક આતંકીની દિલ્હી રેલવે સ્ટેશનથી અરેસ્ટ કરી હતી. આરોપીની ઓળખ રિયાઝ અહમદ રાથેર તરીકે થઈ છે જે કુપવાડા જિલ્લાનો રહેવાસી છે અને સેના રિટાયર્ડ છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ એલઓસી પારથી હથિયારો અને દારૂગોળો મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રિયાઝ અહમદ તાજેતરના ટેરર મૉડ્યુલ કેસમાં વૉન્ટેડ હતો, જેમાં પાંચની ધરપકડ કરવામાં આવી હતી અને હથિયારો રિકવર કરવામાં આવ્યાં હતાં. જમ્મુ અને કાશ્મીરની એજન્સીઓએ દિલ્હી પોલીસને માહિતી આપી હતી કે રિયાઝ ફરાર છે અને સાંજના સમયે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચશે. ત્યાર બાદ રેલવે-સ્ટેશન પર તહેનાત ટીમે જ્યારે રિયાઝ એક્ઝિટ ગેટ-નંબર ૧ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને પકડી લીધો હતો. તેના કબજામાંથી એક મોબાઇલ અને સિમ-કાર્ડ મળી આવ્યાં છે.
ભારતમાં એનર્જી ક્ષેત્રે થશે ૫.૫ લાખ કરોડનું રોકાણ : મોદી
બેતુલ, ગોવા (પી.ટી.આઇ.): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત પ્રાઇમરી એનર્જી મિક્સમાં ગૅસનો હિસ્સો વધારવા માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે દેશમાં આગામી ૫-૬ વર્ષમાં ૬૭ અબજ ડૉલર અથવા આશરે ૫.૫ લાખ કરોડનું રોકાણ થશે. ઇન્ડિયા એનર્જી વીકની બીજી આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે પીએમએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા ૭.૫ ટકાથી વધુના દરે વૃદ્ધિ કરી રહી છે અને દેશ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે વૈશ્વિક કંપનીઓને ભારતના એનર્જી સેક્ટરના ગ્રોથમાં ભાગ લેવાનું આમંત્રણ આપતાં કહ્યું કે દેશમાં ૨૦૩૦ સુધીમાં રિફાઇનિંગ કૅપેસિટી ૨૫૪ એમએમટીપીએથી વધીને ૪૫૦ એમએમટીપીએ થવાની શક્યતા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૧૧ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે જેમાંથી મોટો હિસ્સો ઊર્જા ક્ષેત્ર માટે હશે. ઇથેનોલ મિશ્રણમાં ૨૦૨૩માં ૧૨ ટકાનો નોંધપાત્ર વધારો થવાથી કાર્બન ઉત્સર્જનમાં લગભગ ૪૨ મિલ્યન મેટ્રિક ટનનો ઘટાડો થયો હતો.
નવું વર્ષ બગડ્યું
ચીનમાં નવા વર્ષની શરૂઆત થવામાં છે ત્યારે ખાસ કરીને દેશના મધ્ય ભાગમાં થયેલી ભારે હિમવર્ષાને લીધે હદ વિનાનો ટ્રાફિક જૅમ સર્જાયો હતો. વુહાનની આ તસવીરમાં બરફ વચ્ચે થયેલા ટ્રાફિક જૅમમાં કાર ફસાયેલી જોઈ શકાય છે. નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પાછા ફરતા હોય છે. આ આફતની હિમવર્ષાએ ચાઇનીઝ લોકોના પ્લાન ચોપટ કરી નાખ્યા છે. માત્ર રોડ જ નહીં, રેલવે અને ઍર ટ્રાફિક પણ ખોરવાઈ ગયો છે.