03 February, 2024 01:26 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય વાયુસેના ૧૭ ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પોખરણ રેન્જમાં વાયુ શક્તિ અભ્યાસ દરમ્યાન શક્તિ પ્રદર્શન કરશે. આઇએએફના વાઇસ ચીફ ઍર માર્શલ એપી સિંહે જણાવ્યું હતું કે આ કવાયતમાં ૧૦૦થી વધુ ઍરક્રાફ્ટ પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં સપોર્ટ ઍરક્રાફ્ટ અને જમીન પર સ્ટૅન્ડ-બાય ઍસેટ્સનો સમાવેશ થાય છે. ફાઇટર જેટ રાફેલ, લાઇટ કૉમ્બેટ હેલિકૉપ્ટર પ્રચંડ અને અપાચે અટૅક હેલિકૉપ્ટર પ્રથમ વખત આ પ્રદર્શનમાં ભાગ લેશે. આ અભ્યાસમાં આર્મી ગન પણ ઍરલિફ્ટ કરવામાં આવશે, તો રુદ્ર હેલિકૉપ્ટરથી હથિયાર નાખવામાં આવશે અને સેનાની અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર ગનને ચિનૂક નીચે લટકાવીને પ્રદર્શિત કરવામાં આવશે. આ કવાયત ગાંધીનગરની સાઉથ વેસ્ટર્ન ઍર કમાન્ડ હેઠળ હાથ ધરવામાં આવશે.
ફ્લૉરિડાના મોબાઇલ હોમ પાર્કમાં પ્લેન ક્રૅશ
યુએસના ફ્લૉરિડામાં મોબાઇલ હોમ પાર્કમાં ગુરુવારે એક નાનું પ્લેન ક્રૅશ થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર કેટલાક પૅસેન્જરો મૃત્યુ પામ્યા હતા તેમ જ એ વિમાન જ્યાં પડ્યું હતું એ ઘરમાં કેટલીક વ્યક્તિઓનો પણ ભોગ લેવાયો હતો. સિંગલ-એન્જિન બીક ક્રાફ્ટ બોનાન્ઝા વી૩૫ના પાઇલટે લગભગ ૭ વાગ્યે ઍરક્રાફ્ટ ડાઉન થવાના થોડા સમય પહેલાં એન્જિન ફેલ્યરની જાણ કરી હતી. પ્લેન ક્લિયરવૉટરના બેસાઇડ વૉટર્સ મોબાઇલ હોમ પાર્કમાં ક્રૅશ થયું હતું. ક્લિયરવૉટર ફાયર ચીફ સ્કૉટ એહલર્સે જણાવ્યું કે ઍરક્રાફ્ટ એક જ માળખામાં મળી આવ્યું હતું. એ સ્પષ્ટ નથી કે પ્લેનમાં કેટલા લોકો સવાર હતા.