News in Short: હું નિરાશ અને ભયભીત છું, દીકરીઓ સામે આવા ગુના મંજૂર નથી: દ્રૌપદી મુર્મુ

29 August, 2024 11:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલી વાર આવી ઘટના પર રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું છે

દ્રૌપદી મુર્મુ

કલકત્તાની ઘટના વિશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે નિવેદન આપતાં કહ્યું હતું કે આ ઘટનાથી હું નિરાશ અને ભયભીત છું, દીકરીઓ સામે આવા ગુના મંજૂર નથી.

પહેલી વાર આવી ઘટના પર રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘કોઈ પણ સભ્ય સમાજમાં દીકરીઓ અને બહેનો સાથે આ પ્રકારનો અત્યાચાર સહન કરવામાં આવે નહીં. આ ઘટનામાં કલકત્તામાં સ્ટુડન્ટ્સ, ડૉક્ટરો અને નાગરિકો રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરી રહ્યાં હતાં અને અપરાધીઓ બીજે ક્યાંય ફરી રહ્યા હતા. હવે બસ થયું, સમાજને ઈમાનદાર બનવા માટે આત્મનિરીક્ષણની જરૂર છે.’

દેશમાં ૧૨ ઔદ્યોગિક સ્માર્ટ સિટી બનાવવામાં આવશે

કેન્દ્રીય પ્રધાનમંડળે દેશમાં ૧૨ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી બનાવવા માટે મંજૂરી આપી છે. એનાથી ૧૦ લાખ લોકોને પ્રત્યક્ષ અને ૩૦ લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગાર મળવાની આશા છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ ૨૮,૬૦૨ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી નૅશનલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કૉરિડોર પ્રોગ્રામ હેઠળ તૈયાર કરાશે, પ્લગ-ઇન-પ્લે અને વૉક-ટુ-વર્ક કન્સેપ્ટ પર ફોકસ રાખવામાં આવશે.

મહારાષ્ટ્રમાં દિઘી પોર્ટ, રાજસ્થાનમાં જોધપુર-પાલી, પંજાબમાં રાજપુરા-પટિયાલા, ઉત્તરાખંડમાં ખુરપિયા, ઉત્તર પ્રદેશમાં આગરા અને પ્રયાગરાજ, બિહારમાં ગયા, તેલંગણમાં કોપ્પર્થી અને ઝહીરાબાદ, આંધ્ર પ્રદેશમાં ઓર્વાકલ અને કેરલામાં પલક્કડમાં આ સ્માર્ટ સિટી તૈયાર થશે. હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની આચારસંહિતાને કારણે બારમું નામ જાહેર કરાયું નથી.

NSEના MD અને CEO આશિષ કુમાર ચૌહાણ મોસ્ટ ઇન્ફ્લુઅન્શિયલ CEO ૨૦૨૪ના અવૉર્ડથી સન્માનિત

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના વર્તમાન મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) આશિષ કુમાર ચૌહાણને CEO મન્થલી-AI ગ્લોબલ મીડિયા દ્વારા મોસ્ટ ઇન્ફ્લુઅન્શિયલ CEO ૨૦૨૪ સાઉથ એશિયા (નૅશનલ ફાઇનૅ​ન્શિયલ ટ્રેડિંગ) અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવૉર્ડ તેમના વિઝનરી નેતૃત્વ અને ઉત્કૃષ્ટ કામગીરી કરવાના ગુણોનું પ્રમાણ છે. આશિષ ચૌહાણ NSEના સ્થાપક સભ્યોમાંના એક છે.

 

 

droupadi murmu kolkata sexual crime Crime News india news national news