મંગળવારની રાત દિલ્હીની ઑલ ટાઇમ હૉટેસ્ટ નાઇટ : ૩૫.૨ ડિગ્રી

20 June, 2024 02:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તર ભારતમાં ભીષણ ગરમીને લીધે કેન્દ્ર સરકાર આવી ઍક્શન મોડમાં : ઍડ્વાઇઝરી બહાર પાડીને હીટ-સ્ટ્રોકના દરદીઓને સારવારમાં પ્રાથમિકતા આપવાનો આદેશ આપ્યો : છેલ્લા બે દિવસમાં દિલ્હીની હૉસ્પિટલમાં થયાં સાતનાં મૃત્યુ

સ્પાઇસજેટના પ્રવાસીઓએ ૪૦ ડિગ્રીમાં કલાક સુધી પ્લેનની અંદર AC વગર બેસી રહેવું પડ્યું

દિલ્હીમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી હીટવેવ હવે જીવલેણ બનતી જતી હોવાથી કેન્દ્ર સરકાર ઍક્શનમાં આવી છે. હેલ્થ મિનિસ્ટ્રીએ ગઈ કાલે સેન્ટ્રલ ગવર્નમેન્ટ સંચાલિત તમામ હૉસ્પિટલોને એક ઍડ્વાઇઝરી જાહેર કરીને હીટ-સ્ટ્રોકના દરદીઓને સારવારમાં પ્રાથમિકતા આપવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, દરેક હૉસ્પિટલમાં સ્પેશ્યલ હીટવેવ યુનિટ શરૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં હીટ-સ્ટ્રોકને લીધે સાત દરદીઓનાં મૃત્યુ થયાં છે અને ૧૩ જણ વેન્ટિલેટર પર છે. હીટ-સ્ટ્રોકના દરદીઓને સમયસર હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં ન આવે તો તેમના મૃત્યુની શક્યતા ૬૦થી ૭૦ ટકા થઈ જાય છે.

દિલ્હીએ મંગળવારે અત્યાર સુધીની સૌથી ગરમ રાતનો અનુભવ કર્યો હતો. મંગળવારે રાતે ૩૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે નૉર્મલ કરતાં આઠ ડિગ્રી વધારે હતું. આ પહેલાં ૨૦૧૦ની ત્રીજી જૂને દિલ્હીમાં રાતનું તાપમાન સૌથી વધુ ૩૪.૭ ડિગ્રી નોંધાયું હતું.

આ સિવાય આ વર્ષે સમગ્ર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે હિલ-સ્ટેશનો પર પણ ૪૦થી વધારે તાપમાન જોવા મળી રહ્યું છે. 

સ્પાઇસજેટના પ્રવાસીઓએ ૪૦ ડિગ્રીમાં કલાક સુધી પ્લેનની અંદર AC વગર બેસી રહેવું પડ્યું

ગઈ કાલે દિલ્હીથી દરભંગા જઈ રહેલી સ્પાઇસજેટની ફ્લાઇટના પ્રવાસીઓએ ૪૦ ડિગ્રી તાપમાનમાં એક કલાકથી વધારે સમય સુધી પ્લેનની અંદર ઍર-કન્ડિશનર (AC) વગર બેસી રહેવું પડ્યું હતું. મોટી સંખ્યામાં પ્રવાસીઓ કૅટલૉગ અને બુકલેટથી પોતાને હવા નાખી રહ્યા હોવાનો વિડિયો વાઇરલ થયો હતો એટલું જ નહીં, ઘણા પ્રવાસીઓની ગરમીને લીધે તબિયત પણ બગડી ગઈ હતી. સ્પાઇસજેટે આખા બનાવ વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ફ્લાઇટ શેડ્યુલ મુજબ જ ઊપડી હતી અને AC પણ બરાબર ચાલતું હતું, પણ પ્લેનમાં પૅસેન્જરોને બોર્ડિંગ વખતે એ પૂરતું ન લાગ્યું હોઈ શકે.

ભીષણ ગરમીને લીધે કાનપુરમાં ચામાચીડિયાનાં મૃત્યુ

હીટવેવની અસર માત્ર માનવીઓ સુધી સીમિત નથી રહી. ઉત્તર પ્રદેશના કાનપુરમાં કાળઝાળ ગરમીને લીધે ચામાચીડિયાનાં મૃત્યુ થયાં હોવાની ઘટના બહાર આવી છે. મંગળવારે કાનપુરના નાનારાવ પાર્કમાં મોટી સંખ્યામાં ચામાચીડિયાં મૃત હાલતમાં ઝાડ પરથી નીચે પડેલાં જોવા મળ્યાં હતાં. એકસાથે ચામાચીડિયાનાં મૃત્યુ થતાં એમના શબમાંથી ગંદી વાસ આવવાની શરૂ થઈ ગઈ છે. કાનપુર ઝૂના વેટરિનરી ઑફિસર ડૉ. અનુરાગ સિંહે કહ્યું હતું કે ‘આપણા કરતાં ચામાચીડિયાને બે ડિગ્રી તાપમાન વધારે લાગે છે. જો આપણા માટે તાપમાન ૪૫ ડિગ્રી હોય તો એ જ તાપમાન ચામાચીડિયાને ૪૭ ડિગ્રી લાગે. આ સિવાય એમને આવી ગરમીમાં પાણી પણ આસાનીથી મળતું ન હોવાથી હીટ-સ્ટ્રોક લાગે છે.’

જૂનમાં સામાન્યથી ઓછો વરસાદ પડશે

સમગ્ર ઉત્તર ભારત જબરદસ્ત ગરમીનો સામનો કરી રહ્યું હોવાથી આ વખતે જૂન મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે એવી આગાહી વેધશાળાએ કરી છે. ભારતમાં ૩૦ મેએ કેરલાથી નૈઋત્યનું ચોમાસું બેઠું હતું. 

new delhi Weather Update heat wave national news