29 May, 2023 10:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વિરોધ-કૂચ દરમ્યાન રેસલર સાક્ષી મલિકની અટકાયત કરી રહેલી પોલીસ અને (ડાબે) નવી દિલ્હીમાં ગઈ કાલે રેસલર્સની વિરોધ-કૂચ દરમ્યાન વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટની અટકાયત કરી રહેલી પોલીસ.
દેશના નવા સંસદભવનના ભવ્ય ઉદ્ઘાટનથી બે કિલોમીટરથી પણ ઓછા અંતરે ગઈ કાલે દિલ્હીમાં કૅઓસ થયો હતો, કેમ કે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના ટોચના રેસલર્સ નવા સંસદભવન તરફ કૂચ કરવાની કોશિશ કરી રહ્યાં હતાં ત્યારે તેમની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઑલિમ્પિક્સ અને કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા આ ચૅમ્પિયન્સને ધક્કા મારવામાં આવ્યા હતા અને ખેંચીને બસોમાં લઈ જવામાં આવ્યા હતા.
આ રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મહિલા સન્માન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. અનેક ફીમેલ ઍથ્લેટ્સ દ્વારા બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકવામાં આવ્યો છે. રેસલર્સને બસોમાં જુદાં-જુદાં લોકેશન્સ પર લઈ જવાયા કે તરત જ પોલીસ ઑફિસર્સે કોટ્સ, મેટ્રેસિસ, કૂલર્સ, પંખા, ટારપોલિન સીલિંગ અને રેસલર્સની અન્ય વસ્તુઓ હટાવીને ધરણાસ્થળને ખાલી કરાવવાનું શરૂ કર્યું હતું. એમ જણાય છે કે પોલીસ રેસલર્સને ધરણાસ્થળે પાછા આવવા દેશે નહીં. પોલીસે રેસલર્સને સંસદભવન તરફ કૂચ ન કરવાની ચેતવણી આપી હતી, પરંતુ તેઓ આગળ વધ્યા અને રસ્તાઓ પર અથડામણ થઈ હતી.
દિલ્હી પોલીસે જે રીતે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને અન્ય રેસલર્સની સાથે મારામારી કરી છે એ અત્યંત નીંદનીય છે. જે રીતે આપણા ચૅમ્પિયન્સની સાથે વ્યવહાર કરાયો એ શરમજનક છે.
મમતા બૅનરજી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન.
રાજ્યાભિષેક પૂરો થયો, ‘અહંકારી રાજા’ રસ્તાઓ પર જનતાનો અવાજ કચડી રહ્યો છે. - રાહુલ ગાંધી, કૉન્ગ્રેસના નેતા (રેસલર્સની અટકાયતનો એક વિડિયો શૅર કરતાં લખ્યું)