2 ફેબ્રુઆરીએ અમિત શાહ-નીતીશ કુમાર દિલ્હીમાં એક મંચ પરથી સભાને સંબોધશે

31 January, 2020 07:25 AM IST  |  New Delhi

2 ફેબ્રુઆરીએ અમિત શાહ-નીતીશ કુમાર દિલ્હીમાં એક મંચ પરથી સભાને સંબોધશે

અમિત શાહ-નીતીશ કુમાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પહેલી વખત ગૃહપ્રધાન અમિત શાહ અને એનડીએના સાથીપક્ષ જેડીયુના પ્રમુખ તથા બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર એક મંચ પર સભા સંબોધતા જોવા મળશે.

કોઈ પણ જાહેર મંચ પર આ બે નેતા એકસાથે હોય એવું પહેલી વખત જોવા મળશે. બુરાડી વિધાનસભા મત વિસ્તારમાં બન્ને નેતા બીજી ફેબ્રુઆરીએ એક જાહેર સભામાં હાજરી આપવાના છે. દિલ્હીની ચૂંટણી બન્ને પક્ષો સાથે મળીને લડી રહ્યા છે. જેડીયુના ફાળે બે બેઠકો ગઈ છે. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ સંજય ઝાએ કહ્યું હતું કે આ બન્ને નેતાઓ બે સભાને સંબોધન કરશે. આ બન્ને સભા જેડીયુ ઉમેદવારના મતવિસ્તારમાં યોજાશે. એક તરફ સીએએ મુદ્દે દેખાવો થઈ રહ્યા છે ત્યારે નીતીશ કુમારનો અમિત શાહ સાથે મળીને સભા સંબોધવાનો નિર્ણય બહુ સૂચક મનાઈ રહ્યો છે.

આ પણ વાંચો : ભારતમાં કોરોના વાઇરસની એન્ટ્રી : કેરળમાં પ્રથમ પૉઝિટિવ કેસ નોંધાયો

મેં મારા જીવનમાં કેજરીવાલથી મોટો જુઠ્ઠો માણસ નથી જોયો : અમિત શાહ

બીજેપી નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલથી વધારે જુઠ્ઠો વ્યક્તિ મેં મારી જિંદગીમાં નથી જોયો. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર સુનીલ યાદવના પક્ષમાં જાહેરસભાને સંબોધન કરતાં શાહે કેજરીવાલને સવાલ કર્યો કે શું તેઓ જેએનયુના વિદ્યાર્થી શરજીલ ઇમામ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પરવાનગી આપશો? અમિત શાહે કહ્યું કે કેજરીવાલ તો બહું ડિંગો હાંકતાં હતાં કે તેઓ સરકારી ઘર અથવા કાર નહીં સ્વીકારે, પરંતુ હકીકત એ છે કે તેમની પાસે સરકારી બંગલો અને કાર બન્ને છે.

amit shah nitish kumar delhi new delhi national news