24 September, 2024 09:28 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલની ખુરસી ખાલી રાખીને પોતે લાવેલી ચૅર પર બેઠાં આતિશી.
૧૩ વિભાગ પોતાની પાસે રાખીને મુખ્ય પ્રધાનનો હોદ્દો સંભાળ્યો
દિલ્હીનાં મુખ્ય પ્રધાન તરીકે આતિશીએ ગઈ કાલે પદભાર ગ્રહણ કર્યો હતો. સેક્રેટરિયેટમાં તે સફેદ રંગની ખુરસી લઈને પહોંચ્યાં હતાં અને અગાઉ અરવિંદ કેજરીવાલ જે લાલ રંગની ખુરસી પર બેસતા હતા એને બાજુમાં રાખીને સફેદ રંગની ખુરસીમાં બેસ્યાં હતાં. આતિશીએ શિક્ષણ, રેવન્યુ, નાણાં, વીજળી, જાહેર બાંધકામ સહિતનાં તમામ ૧૩ ખાતાં પોતાની પાસે રાખ્યાં છે જે કેજરીવાલ સરકારમાં તેમની પાસે હતાં.
પદભાર સંભાળ્યા બાદ આતિશીએ કહ્યું હતું કે ‘આજે મારા મનની એ જ વ્યથા છે જે ભરતજીની હતી. તેમણે જેમ ભગવાન રામની ખડાઉ રાખીને કામ કર્યું એમ હું આવતા ચાર મહિના મુખ્ય પ્રધાનનો કાર્યભાર સંભાળીશ. મને ભરોસો છે કે ફેબ્રુઆરીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને ફરીથી જિતાડીને મુખ્ય પ્રધાન બનાવશે. ત્યાં સુધી કેજરીવાલની આ ખુરસી અહીં જ રહેશે.’
આતિશીએ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ‘કેજરીવાલે રાજનીતિમાં ગરિમા અને નૈતિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, પણ કેન્દ્ર સરકાર અને BJPએ તેમની ઇમેજ ખરાબ કરવામાં કસર છોડી નથી. તેમને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમણે રાજીનામું આપી દીધું છે. હવે દિલ્હીની જનતા ફરી તેમને મુખ્ય પ્રધાન બનાવશે.’