04 September, 2024 10:42 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વેબ-સિરીઝ ‘IC 814: ધ કંદહાર હાઇજૅક’
ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનના અપહરણની સત્ય ઘટના પર આધારિત બનાવવામાં આવેલી વેબ-સિરીઝ ‘IC 814: ધ કંદહાર હાઇજૅક’માં અપહરણકારોનાં હિન્દુ કોડ-નેમ બતાવવામાં આવ્યાં છે એને પગલે લોકોમાં ભારે રોષ ફેલાતાં કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગઈ કાલે નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડને મળવા બોલાવ્યા હતા અને તેમનો જવાબ માગવામાં આવ્યો હતો. વેબ-સિરીઝમાં અપહરણકારોનાં કોડ-નેમ હિન્દુ દર્શાવવામાં આવતાં અને સિરીઝમાં કથિત વિવાદાસ્પદ બાબતો પર સરકારે સ્પષ્ટીકરણ માગ્યું હતું.
આ મુદ્દે માહિતી અને પ્રસારણ ખાતાના સેક્રેટરી સંજય જાજુ અને નેટફ્લિક્સ ઇન્ડિયાની કન્ટેન્ટ હેડ મોનિકા શેરગિલ વચ્ચે ગઈ કાલે ૪૦ મિનિટ સુધી બેઠક થઈ હતી અને એમાં આ ઓવર-ધ-ટૉપ (OTT) પ્લૅટફૉર્મના અધિકારીઓને સમાજના એક મોટા વર્ગની ભાવનાઓની બાબતે જાણકારી આપવામાં આવી હતી અને તાકીદ કરવામાં આવી હતી કે ‘આવા વિષયોમાં સંવેદનશીલ બનવાની જરૂર છે. OTT પ્લૅટફૉર્મને દેશની ભાવનાઓ સાથે રમવાનો કોઈ અધિકાર નથી. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું હંમેશાં સન્માન કરવામાં આવવું જોઈએ.’
આ મુદ્દે નેટફ્લિક્સ ઇન્ડિયાએ ગઈ કાલે કેન્દ્ર સરકારને ખાતરી આપી હતી કે તેઓ કન્ટેન્ટની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં તેમના પ્લૅટફૉર્મ પર રજૂ થનારી કન્ટેન્ટ રાષ્ટ્રીય લોકભાવના પ્રતિ સંવેદનશીલ અને એને અનુરૂપ તૈયાર કરવામાં આવશે.
જોકે ત્યાર બાદ નેટફ્લિક્સ ઇન્ડિયાએ એક સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું હતું કે ‘જે દર્શકો ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટ-૮૧૪ના ૧૯૯૯માં થયેલા અપહરણથી વાકેફ નથી તેમની જાણ ખાતર સિરીઝની શરૂઆતમાં આવનારા ડિસ્ક્લેમરમાં અપહરણકર્તાઓના કોડ-નેમની સાથે તેમનાં સાચાં નામ પણ રાખવામાં આવશે. સિરીઝમાં જે કોડ-નેમ છે એ જ નામ અપહરણકર્તાઓએ હાઇજૅકિંગ ઑપરેશન વખતે રાખ્યાં હતાં. અમે આ સ્ટોરી એના ઑથેન્ટિક રીપ્રેઝન્ટેશન સાથે દર્શાવવા પ્રતિબદ્ધ છીએ.’
વેબ-સિરીઝ પ્રસારિત થતાં એમાં આતંકવાદીઓનાં નામ ભોલા અને શંકર દર્શાવવામાં આવતાં લોકોએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મનિર્માતાએ જાણીજોઈને આમ કર્યું છે. આ જ કારણસર સોશ્યલ મીડિયામાં લોકોએ આ સિરીઝ પર બૉયકૉટની માગણી કરી હતી.
આ વિમાન અપહરણ કરનારા પાંચેય અપહરણકારો મુસ્લિમ હતા અને તેમનાં નામ ઇબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર, સની અહમદ, મિસ્ત્રી ઝહૂર અને શાકિર હતાં. જોકે વેબ-સિરીઝમાં તેમનાં નામ ભોલા, શંકર, બર્ગર, ચીફ અને ડૉક્ટર એવાં દર્શાવવામાં આવ્યાં છે.