07 August, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
ઍક્ટરમાંથી રાજકારણી બનેલી હિમાચલ પ્રદેશના મંડીની BJPની સંસદસભ્ય કંગના રનૌતે ગઈ કાલે એ વાત પર ભાર મૂક્યો હતો કે ભારતમાં બંગલાદેશ જેવી પરિસ્થિતિ ઊભી થતી રોકવા માટે સનાતન ધર્મનો પ્રચાર કરવો જરૂરી છે. કંગનાએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારે મીડિયા સાથે વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે બંગલાદેશમાં જે થયું છે એના પરથી આપણે શીખવાની જરૂર છે અને આવું થતું રોકવા માટે સનાતન ધર્મનો પ્રચાર જરૂરી છે.
બંગલાદેશથી વડાં પ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારત આવવું પડ્યું એ સંદર્ભમાં સોમવારે કંગના રનૌતે સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘આપણા દેશની આસપાસ આવેલા ઇસ્લામિક રિપબ્લિકની મૂળ ભૂમિ ભારતની છે. આપણને એ વાતનું ગૌરવ અને આનંદ છે કે બંગલાદેશનાં વડાં પ્રધાન ભારતમાં સલામતી અનુભવે છે, પણ ભારતમાં જેઓ રહે છે એ લોકો સવાલ કરે છે કે શા માટે આ હિન્દુ રાષ્ટ્ર છે.’
મુસ્લિમ દેશોમાં કોઈ સલામત નથી એવો સવાલ કરીને કંગના રનૌતે કહ્યું કે ‘શા માટે રામરાજ્યની વાત થાય છે. શા માટે? એનો જવાબ મળી ગયો છે. મુસ્લિમ દેશોમાં મુસ્લિમો જ સલામત નથી. કમનસીબે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બંગલાદેશ અને બ્રિટનમાં જેકંઈ થઈ રહ્યું છે એ જોતાં લાગે છે કે આપણે રામરાજ્યમાં રહેવા બદલ નસીબદાર છીએ. જય શ્રી રામ.’