07 June, 2024 01:45 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની સરકારની શપથવિધિ પણ થઈ નથી ત્યાં જૂની સરકારની યોજનાઓની સમીક્ષાની માગણી શરૂ થઈ ગઈ છે. BJPના સાથીપક્ષ જનતા દળ-યુનાઇટેડ (JD-U)એ અગ્નિપથ યોજના મુદ્દે ફેરવિચારણા કરવાની અપીલ નવી બનનારી સરકારને કરી દીધી છે. JD-Uના નેતા કે. સી. ત્યાગીએ ગુરુવારે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે ‘અગ્નિપથ યોજનાની સમીક્ષા થાય એ જરૂરી છે. આ યોજનાને લઈને યુવાનોમાં ઘણો આક્રોશ છે. આ યોજના હેઠળ ભારતીય સૈન્યમાં ચાર વર્ષ માટે અગ્નિવીર નામે ઓળખાતી પોસ્ટ પર જવાનોની ભરતી કરવામાં આવે છે.’
સાથે જ કે. સી. ત્યાગીએ દેશભરમાં જાતિઆધારિત વસ્તીગણતરીની પણ તરફેણ કરી હતી. ઉલ્લેખનીય છે કે નીતીશકુમારની સરકારે દેશમાં પહેલી વાર બિહારમાં જાતિઆધારિત વસ્તીગણતરી કરાવી હતી.
પJD-Uની જેમ જ બિહારની લોક જનશક્તિ પાર્ટી (LJP) પણ અગ્નિપથ યોજનાનો રિવ્યુ કરવાની તરફેણમાં છે. લોકસભાની ચૂંટણીમાં પાંચેપાંચ બેઠક જીતનારા LJPના પ્રેસિડન્ટ ચિરાગ પાસવાને કહ્યું હતું કે ‘આપણે એ જોવું જોઈએ કે અગ્નિપથ સ્કીમથી શું અને કેટલું હાંસલ કરી શકવાના છીએ, કારણ કે આ યોજના આપણા દેશના યુવાનો સાથે જોડાયેલી છે. આનો રિવ્યુ થવો જોઈએ, પણ જ્યાં સુધી સરકારની સ્થાપના ન થાય ત્યાં સુધી એને હોલ્ડ પર રાખી શકાય એમ છે. ત્યાર બાદ અમે બેસીને આ બાબતે ચર્ચા કરી શકીએ છીએ.’