12 January, 2025 12:53 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગઈ કાલે જણાવ્યું હતું કે ૨૦૨૪માં આખા દેશમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) અને પોલીસ દળોએ કુલ ૧૬,૯૧૪ કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જે આઝાદી બાદ સૌથી વધુ છે.
‘ડ્રગ ટ્રાફિકિંગ ઍન્ડ નૅશનલ સિક્યૉરિટી’ વિષય પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરતાં ગૃહપ્રધાન અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે ‘૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચે ૩.૬૩ લાખ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું, પણ ૨૦૧૪થી ૨૦૨૪ સુધીનાં ૧૦ વર્ષમાં ૨૪ લાખ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું જે સાતગણો વધારો દર્શાવે છે. આ એક મોટી સિદ્ધિ છે. ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચેના ૧૦ વર્ષમાં નષ્ટ કરવામાં આવેલા ડ્રગ્સની કિંમત ૮૧૫૦ કરોડ રૂપિયા હતી, પણ ગયા ૧૦ વર્ષમાં એનાથી સાતગણા વધારે ૫૬,૮૬૧ કરોડ રૂપિયાના ડ્રગ્સને નષ્ટ કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૪૭ સુધી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે ‘ડ્રગમુક્ત ભારત’ હાંસલ કરવું મહત્ત્વપૂર્ણ છે.’
NCB દ્વારા આયોજિત આ પરિષદનો ઉદ્દેશ ઉત્તર ભારતનાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રગ હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા પર એની અસર વિશે વધતી ચિંતાને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.
ગૃહ પ્રધાને આ પ્રસંગે ડ્રગ ડિસ્પોઝલ પખવાડિયાની પણ શરૂઆત કરી હતી. આ પખવાડિયામાં જપ્ત કરાયેલા નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવે છે. આગામી ૧૦ દિવસમાં ૮૬૦૦ કરોડ રૂપિયાની કિંમતના એક લાખ કિલોગ્રામ નાર્કોટિક્સનો નાશ કરવામાં આવશે.