04 October, 2024 09:48 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
દુર્ગાપૂજાના પંડાલમાં આ થીમ પર ડેકોરેશન કરીને દર્શાવવામાં આવી રહ્યું છે
કલકત્તામાં ટ્રેઇની ડૉક્ટર પર થયેલાં રેપ-મર્ડરની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે ત્યારે દુર્ગાપૂજાના પંડાલમાં આ થીમ પર ડેકોરેશન કરીને દર્શાવવામાં આવી રહ્યું છે કે આ કેટલી ભયાનક ઘટના હતી. આવા જ એક પંડાલમાં ‘શરમ’ થીમ સાથે કરવામાં આવેલા ડેકોરેશનમાં પીડિતાને બતાવવામાં આવી છે અને તેની હાલત જોઈ ન શકતાં દુર્ગામાતા પણ પોતાની આંખ હાથેથી ઢાંકી દે છે એવું દર્શાવવામાં આવ્યું છે.
તસવીર: નિમેશ દવે
નવરાત્રિનો પહેલો દિવસ પીળા રંગનો હતો એટલે ગઈ કાલે અનેક મહિલાઓએ પીળાં વસ્ત્રો પરિધાન કર્યાં હતાં. ગઈ કાલે બોરીવલી સ્ટેશન પર મહિલા સ્પેશ્યલ ટ્રેનની રાહ જોઈ રહેલી મહિલાઓને કારણે અનોખો માહોલ સર્જાયો હતો.
જમ્મુના કતરામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં ગઈ કાલે પહેલા નોરતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે માતાનાં દર્શનની સાથે ત્યાં બનાવવામાં આવેલા શિવજીના પૂતળાએ ભાવિકોમાં સારું એવું આકર્ષણ ઊભું કર્યું હતું.
નવરાત્રિના પહેલા દિવસે માતાજીની ઘરમાં ગરબો લાવીને પધરામણી કરવાનો રિવાજ તો વર્ષોથી પડ્યો છે, પરંતુ એક ઓછી જાણીતી ટ્રેડિશન છે જેમાં લોકો માતાજીના મંદિરમાં કે પછી જ્યાં ગરબાની સ્થાપના કરવામાં આવી છે ત્યાં હાથને કુમકુમમાં બોળીને થાપા લગાવે છે. મોટા ભાગે લોકો માનતાના ભાગરૂપે માતાજી સુધી પોતાના મનની વાત પહોંચાડવા માટે આવું કરતા હોવાની લોકવાયકા છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી જગ્યાએ આ પ્રથાને અનુસરવામાં આવે છે.
આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આવેલા કનકદુર્ગાદેવીના મંદિરમાં એક ભક્તે સુંદર અને દુર્લભ હીરાઓથી જડિત મુગટ ભેટ કર્યો હતો. આ મંદિર કૃષ્ણા નદીના તટ પર ઇન્દ્રકિલાદ્રિ પહાડ પર આવેલું છે. દર વર્ષે આ મંદિરમાં નવરાત્રિ દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને માનતા પૂરી થતાં દેવીના ચરણે મોંઘી ભેટ ધરે છે.
ગોવામાં નવરાત્રિ દરમ્યાન દેવીનાં જ નહીં, કૃષ્ણનાં મંદિરોમાં પણ નવરાત્રિનો ઉત્સવ થાય છે. આ ઉત્સવમાં રોજ રાતે ૯ પ્રકારનાં ધાન્ય મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવે છે. નવમા નોરતે દેવીને ચાંદીના હીંચકામાં બેસાડવામાં આવે છે અને માખર આરતી થાય છે.