હૈદરાબાદ જઈને BJPનાં નવનીત રાણાએ અકબરુદ્દીન ઓવૈસીના ૧૧ વર્ષ જૂના સ્ટેટમેન્ટનો આપ્યો જવાબ

10 May, 2024 07:29 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નવનીત રાણાએ એમ પણ કહ્યું હતું કે ‘માધવી લતા હૈદરાબાદને પાકિસ્તાન બનતું અટકાવી શકશે

બુધવારે હૈદરાબાદમાં ભારતીય જનતા યુવા મોરચાની મીટિંગમાં નવનીત રાણા.

૧૧ વર્ષ પહેલાં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુ​સ્લિમીન (AIMIM)ના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ આપેલા સ્ટેટમેન્ટનું ભૂત ગઈ કાલે ફરી હૈદરાબાદમાં ધૂણવા લાગ્યું હતું. જો ૧૫ મિનિટ માટે દેશમાં પોલીસને હટાવી દેવામાં આવે તો એ નિવેદન હિન્દુઓને ધમકી આપવાના સૂરમાં હતું અને તમામ લોકોને શૉકમાં મૂકનારું હતું, પણ ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ઉમેદવાર માધવી લતાના પ્રચાર માટે આવેલાં મહારાષ્ટ્રનાં અમરાવતીનાં સંસદસભ્ય નવનીત રાણાએ પણ એના જવાબમાં કહ્યું હતું કે અમને તો માત્ર ૧૫ સેકન્ડ લાગશે.

નવનીત રાણાએ ૨૦૧૩માં અકબરુદ્દીન ઓવૈસીના વિડિયોના મુદ્દે કહ્યું હતું કે તેઓ કહેતા હતા કે ૧૫ મિનિટ માટે પોલીસ હટાવી દો, અમે બતાવી દઈશું કે અમે શું કરી શકીએ છીએ.
આ મુદ્દે નવનીત રાણાએ કહ્યું હતું કે તમને તો ૧૫ મિનિટ જોઈશે, પણ અમને તો ૧૫ સેકન્ડ પણ નહીં લાગે.

નવનીત રાણાએ એમ પણ કહ્યું હતું કે ‘માધવી લતા હૈદરાબાદને પાકિસ્તાન બનતું અટકાવી શકશે. જે લોકો ઓવૈસી કે કૉન્ગ્રેસને મત આપે છે તેઓ પાકિસ્તાનની તરફેણમાં મતદાન કરે છે. જો તમે કૉન્ગ્રેસ કે AIMIMને મત આપો છો તો એ સીધો પાકિસ્તાનને જાય છે. જે રીતે પાકિસ્તાન રાહુલ અને AIMIM પ્રતિ જે પ્રેમ દર્શાવે છે, જે રીતે કૉન્ગ્રેસે પાકિસ્તાનથી મળતા સિગ્નલોના આધારે દેશ ચલાવ્યો છે એ જ પાકિસ્તાન આજે કહે છે કે તેઓ કૉન્ગ્રેસ અને AIMIMને પ્રેમ કરે છે.’

નવનીત રાણાએ જે કહ્યું છે એ ૩૯ સેકન્ડનો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મૂકવામાં આવ્યો છે અને એમાં ઓવૈસી ભાઈઓને ટૅગ કરવામાં આવ્યા છે. જોકે ઓવૈસી ભાઈઓએ પણ નવનીત રાણાને એનો જવાબ તરત જ આપી દીધો હતો.

અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ‘હું વડા પ્રધાન મોદીજીને કહેવા માગું છું કે તેને ૧૫ સેકન્ડનો સમય આપો, તે શું કરશે? તેને ૧૫ સેકન્ડ આપો, તેને કદાચ એક કલાકનો સમય આપો. અમારે જોવું છે કે તે શું કરવા માગે છે. શું તેમનામાં કોઈ માનવતા બચી છે કે નહીં? કોણ ડરી રહ્યું છે? અમે તૈયાર છીએ, જો કોઈ આવી રીતે ખુલ્લામાં અમને પડકાર આપે છે તો થઈ જવા દો, તમને કોણ રોકી રહ્યું છે.’

૨૦૦૪થી અસદુદ્દીન ઓવૈસી આ બેઠક પરથી જીત મેળવી રહ્યા છે. ૧૯૮૪થી આ બેઠક પર તેમના પિતા સલાહુદ્દીન ઓવૈસી હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કરતા હતા. જે રીતે માધવી લતા અને નવનીત રાણાનું અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શા​બ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે એ જોતાં લાગે છે કે આ બેઠક પર હાઈ ટેન્શન ચૂંટણીપ્રચાર થઈ રહ્યો છે. ૨૦૧૯માં અહીં BJPના ઉમેદવાર ભગવંથ રાવને ૨,૩૬,૦૦૦ મત મળ્યા હતા, પણ ઓવૈસીને કુલ વોટિંગના ૬૪ ટકા એટલે કે પાંચ લાખથી વધુ મત મળ્યા હતા.

national news india Navneet Rana bharatiya janata party Lok Sabha Election 2024