01 July, 2023 03:11 PM IST | Mumbai | Dharmik Parmar
પ્રતીકાત્મક તસવીર (આઈસ્ટોક)
1લી જુલાઈને રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ડોકટરોને તેમના કાર્ય માટે સન્માનિત કરવામાં આવે છે. ડોકટરો રોજેરોજ દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહેતાં હોય છે. ઉલ્લેખનીય છે કે 1991માં પ્રથમ વખત આ દિવસને ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 1લી જુલાઈને ‘ડૉક્ટર ડે’ તરીકે ઉજવવામાં આવે છે. બંગાળના પૂર્વ મુખ્યમંત્રી ડૉ બીસી રોયના સન્માનમાં આ દિવસ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. બીસી રોય એક અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની તેમજ એક ડૉક્ટર હતા. તેઓને 4 ફેબ્રુઆરી 1961ના રોજ ભારતરત્નથી પણ નવાજવામાં આવ્યા હતા.
આજના આ ખાસ દિવસે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દ્વારા કેટલાક ડોક્ટર્સ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. ડોક્ટર્સ સતત તેમના વ્યવસાયમાં, દર્દીઓને ટ્રીટમેન્ટ આપવામાં વ્યસ્ત રહેતાં હોય છે. તેઓના આ બીઝી શેડ્યૂલ વચ્ચે પણ તેઓ પોતાના શોખને જીવંત રાખતા હોય છે. તેઓ પોતે રિલેક્સ થવા અવનવી પ્રવૃત્તિનો ભાગ બનતા હોય છે.
મુંબઈમાં અંધેરીના ડેન્ટિસ્ટ ડૉ. ભૂમા વશી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે, “ગુજરાત યુનિવર્સિટીથી મેરિટમાં હું સિલેકટ થઈ હતી. અમદાવાદમાં અભ્યાસ પૂર્ણ કરીને ત્યાં 6 વર્ષ અસોસિયેટ તરીકે કામ કર્યું. 1995માં હસબન્ડ સાથે મુંબઈમાં કામ શરૂ કર્યું. અત્યારે અમે અમારા ક્લિનિકમાં તમામ પ્રકારના દાંતના રોગની સારવાર આપીએ છીએ.”
ડૉ. ભૂમા વશી
પોતે દિવસના કેટલા કલાક દર્દીઓના દાંતની સારવાર માટે આપે છે તે વિશે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, “નૉર્મલી 11.00થી 1.00 અને 3.00થી 7.00 ક્લિનિક પર હોઉં છું. અમુક શનિવારે અડધો દિવસ પણ હાજર હોઉં છું.” ડૉ. ભૂમા બહેનના શોખની વાત કરીએ તો તેઓને સંગીતના ક્લાસમાં જાય છે. આ વિશે તેઓએ કહ્યું હતું કે, “રેગ્યુલર એક્સર્સાઈઝ, વોકિંગ, મેડિટેશન કરું છું. ધ્યાન કરવાથી રિફ્રેશ થવાય છે. બ્રેકમાં પણ 10 મિનિટ ધ્યાન કરી લઉં છું. ઉપરાંત કવિતાઓ વાંચવી પણ બહુ જ ગમે છે. ક્યારેક સ્ફુરણા થાય તો શબ્દોને કાગળ ઉપર પણ ઉતારી લઉં છું.”
મુંબઈના ગોરેગાંવમાં હોમિયોપેથી, કોસ્મેટોલોજીની પ્રેક્ટિસ કરી રહેલા ડૉ. વિનાયક ધોત્રે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે, “મને સ્કીન અને હેરમાં સ્પેશિયલ ઈન્ટરેસ્ટ છે. લગભગ દિવસના આઠ કલાક પ્રેક્ટિસ પર હોઉં છું.”
ડૉ. વિનાયક ધોત્રે
ડૉ. ધોત્રે પોતાના શોખ વિશે જણાવતા કહે છે કે, “હું જિમએડિક્ટ છું. મને મ્યુઝિક સાંભળવું પણ બહુ જ ગમે છે. હા, હું ફૂડી છું. નવી નવી જગ્યાઓ પર જઈને ખાવું ગમે છે.” આજના યંગસ્ટરને સ્કીન કેર વિશે સલાહ આપતાં તેઓ કહે છે કે, “એક્સરસાઈઝ કરવી જોઈએ. મસલ બિલ્ડિંગ કરવી જોઈએ. જે હોર્મોન્સ પણ સારા રીલીઝ કરશે. જેનાથી સ્કીન પણ સારી રહેશે. જુદા જુદા ફ્રૂટ, વેજીટેબલ ખાવા જોઈએ. ડાયટમાં બેલેન્સ રાખવું જોઈએ. સ્વાસ્થ્ય માટે નિયમિતતા કેળવવી જોઈએ. અનિયમિતતાને કારણે સમસ્યાઓ ઊભી થતી હોય છે.”
ગુજરાત યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી છેલ્લા 31 વર્ષથી અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. રેડિયો પર 15 વર્ષથી તેઓ કાઉન્સેલિંગ કરે છે. રેડિયો સિટી પર 91.1 એફ એમ પર ‘મન કા રેડિયો’ નામનો કાર્યક્રમ પણ તેઓ આપે છે. આજે પણ તેઓ દિવસના સળંગ સાડા છ કલાક કામ કરે છે. સપ્તાહમાં બે વાર રજા લઈને તેઓ પોતાના શોખ માટે અને રિલેક્સ થવા માટે સમય કાઢે છે.
ડૉ. પ્રશાંત ભીમાણી
આટલી બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉ. પ્રશાંત ભીમાણી પોતાના શોખ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે, “મિત્રો સાથે વેકેશન પર જવું ખૂબ ગમે છે. મૂવીઝ જોવી ગમે છે. મ્યુઝિક તો મારો સૌથી ખાસ ફ્રેન્ડ છે. સતત મ્યુઝિક સાંભળવું ગમે છે. યોગ પણ કરું છું.”
આંધળી દોટ મૂકતા આજના યુવાનોને ડૉ. પ્રશાંત ભાઈ સરસ વાત કરે છે કે, “તમારે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખવું જરૂરી છે. અતિશય મહત્વકાંક્ષા અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન હોવું જ જોઈએ. એમના જીવનનો ધ્યેયમંત્ર છે કે ‘જીવન એ રોજે-રોજ જીવાતી ઘટના છે.’