શપથવિધિ ૯ જૂને સાંજે ૭.૧૫ વાગ્યે

08 June, 2024 06:51 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ સરકાર રચવાનો દાવો કર્યા બાદ રાષ્ટ્રપતિએ આપ્યું આમંત્રણ

રાષ્ટ્ર​પતિભવનમાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને શુકનનાં દહીંસાકર ખવડાવ્યાં હતાં.

નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આ‍વ્યા બાદ તેઓ ગઈ કાલે સાંજે છ વાગ્યે રાષ્ટ્રપતિભવન ગયા હતા અને નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો. મોદીએ ભગવાન જગન્નાથની તસવીર ભેટ આપીને રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું.

મોદીએ સરકાર રચવા માટે પૂરતું સંખ્યાબળ હોવાના સાથીપક્ષોના પત્રો પણ સુપરત કર્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું અને રવિવારે ૯ જૂને રાત્રે ૭.૧૫ વાગ્યે રાષ્ટ્રપતિભવનમાં નવી સરકારનો શપથવિધિ-સમારોહ યોજાશે.

રાષ્ટ્રપતિભવન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ BJP પ્રણિત NDAની પાસે નવી સરકાર રચવા માટે પૂરતું સમર્થન હોવાથી તેમને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. 

national news india narendra modi droupadi murmu