11 August, 2024 09:50 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વાયનાડના અસરગ્રસ્ત વિસ્તારો અને પરિવારોની મુલાકાતે નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બપોરે કેરલામાં ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડ જિલ્લાની મુલાકાત લીધી હતી. પહેલાં તેમણે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને પછી તેઓ રોડ રસ્તે સૌથી વધુ પ્રભાવિત ચૂરલમાલા વિસ્તારમાં ગયા હતા અને બપોરે અઢી વાગ્યે મેપ્પાડીમાં આવેલી રાહત શિબિરોમાં જઈને બચી ગયેલાં બે બાળકો સહિત બીજા લોકો સાથે વાતચીત કરી હતી અને તેમને કેન્દ્ર સરકાર તરફથી પૂર્ણ સહાયની ખાતરી આપી હતી. મુશ્કેલ સમયમાં તમે એકલા નથી, કેન્દ્ર સરકાર તમારી સાથે છે એમ જણાવીને મોદીએ પીડિતોના માથા અને ખભા પર હાથ મૂકીને સાંત્વન આપ્યું હતું. વડા પ્રધાન સાથે વાતચીત કરતાં લોકો રડી પડ્યા હતા.
નરેન્દ્ર મોદીએ આર્મીએ ૩૧ કલાકમાં બનાવેલા ૧૯૦ મીટર લાંબા બેઇલી બ્રિજની મુલાકાત પણ લીધી હતી. તેમની સાથે કેરલાના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન, મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને કેન્દ્રીય પ્રધાન સુરેશ ગોપી ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન રોડ રસ્તે ચૂરલમાલા પહોંચ્યા ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે સેંકડો લોકો રસ્તાની બેઉ તરફ ઊભા રહી ગયા હતા.
મને જ્યારથી આ દુર્ઘટનાની જાણકારી મળી ત્યારથી જ હું સરકારી એજન્સીઓના સંપર્કમાં છું. આ દુર્ઘટના સામાન્ય નથી. એણે હજારો પરિવારોનાં સપનાં ચકનાચૂર કર્યાં છે. મેં ઘટનાસ્થળે જઈને તબાહી જોઈ હતી અને રાહત શિબિરોમાં જઈને બચી ગયેલા લોકોને મળ્યો હતો. - નરેન્દ્ર મોદી