16 November, 2024 11:08 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
દેવઘર ઍરપોર્ટ પર નરેન્દ્ર મોદીના ઍરક્રાફ્ટમાં ખરાબી સર્જાઈ એ પછી દિલ્હીથી તેમને માટે નવું ઍરક્રાફ્ટ મગાવવામાં આવ્યું હતું.
ઝારખંડના દેવઘરમાં ગઈ કાલે બપોરે નરેન્દ્ર મોદીના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાતાં તેઓ બે કલાક માટે અટવાઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે મોદી પ્લેનમાં બેસી ગયા હતા અને એ ટેક-ઑફ કરવાનું જ હતું ત્યારે એમાં ટેક્નિકલ ખામી હોવાનું સામે આવ્યું હતું. આને લીધે ઍરક્રાફ્ટને અટકાવી દેવામાં આવ્યું હતું અને ફૉલ્ટ શોધીને એને રિપેર કરવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે આ સમય દરમ્યાન દિલ્હીથી ઍર ફોર્સનું પ્લેન મગાવવામાં આવ્યું હતું અને એ આવ્યા બાદ નરેન્દ્ર મોદી દિલ્હી પાછા ફર્યા હતા.
ઝારખંડમાં ચૂંટણીપ્રચાર માટે નરેન્દ્ર મોદી ગયા હતા. એ પહેલાં તેઓ બિહારના જમુઈ ગયા હતા. આખા દેશમાં આદિવાસી નેતા બિરસા મુંડાના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવતા જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ જમુઈ ગયા હતા.
રાહુલ ગાંધીની મૂવમેન્ટને રોકી રાખવાનો કૉન્ગ્રેસનો આરોપ
દેવઘરથી ૮૦ કિલોમીટર દૂર ગોડ્ડામાં રાહુલ ગાંધીના હેલિકૉપ્ટરને પોણો કલાક સુધી ટેક-ઑફ માટે ઍર ટ્રાફિક કન્ટ્રોલે ક્લિયરન્સ આપ્યું ન હોવાથી કૉન્ગ્રેસે સરકાર પર વિપક્ષના નેતાને જાણી જોઈને હેરાન કરવાનો આક્ષેપ કર્યો હતો. કૉન્ગ્રેસે આ બાબતની ચૂંટણીપંચને ફરિયાદ પણ કરી છે. એનું કહેવું છે કે વડા પ્રધાનની ઇવેન્ટને વધારે મહત્ત્વ મળે એ માટે રાહુલ ગાંધીની મૂવમેન્ટ રોકી રાખવામાં આવી હતી.