નરેન્દ્ર મોદીએ પીએમ પદેથી આપ્યું રાજીનામું: ત્રીજી વારના શપથ ગ્રહણની તારીખ વહેતી થઈ, જાણો વિગતો

05 June, 2024 02:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકૉર્ડ જોડાઈ જશે

નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

Narendra Modi Resigns from The Post of PM: લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ અંગેની તૈયારીઓ પર મંથન તેજ થયું છે. નવી કેબિનેટમાં ચહેરાઓને લઈને સાથી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર પણ તેજ બન્યો છે. બે-ત્રણ દિવસમાં નામો ફાઇનલ થાય તેવી શકયતા છે.

ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકૉર્ડ જોડાઈ જશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા અને દેશના પીએમ બનવાના છે. આ પહેલાં આ રેકૉર્ડ જવાહર લાલ નેહરુના નામે હતો. મોદી તેમના રેકૉર્ડની બરાબરી કરશે.

એનડીએની બેઠક આજે સાંજે 4 વાગ્યે

દિલ્હીમાં આજે સાંજે 4 વાગ્યે NDAની બેઠક બોલાવવામાં આવી છે. જેડીયુના વડા નીતિશ કુમાર, ટીડીપી વડા એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય નેતાઓ આમાં ભાગ લેશે. એનડીએ સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાશે, જેમાં સરકારની રચના અને શપથ ગ્રહણની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે.

જેડીયુના વડા નીતીશ કુમાર બુધવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ પણ બપોર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે. આ વખતે શપથ ગ્રહણ સમારોહ 4 દિવસ પછી યોજાશે.

તમને જણાવી દઈએ કે, પીએમ પદ માટે શપથ ગ્રહણ સમારોહ 2019ના પરિણામોના 7 દિવસ બાદ યોજાયો હતો. 2014માં જ્યારે એનડીએની સરકાર બની ત્યારે મોદીએ 10 દિવસ પછી પીએમ તરીકે શપથ લીધા હતા. આ વખતે પરિણામ જાહેર થયા બાદ 4 દિવસ બાદ એટલે કે 8મી જૂને શપથગ્રહણની તૈયારીના સમાચાર છે.

એનડીએ બહુમતી હાંસલ કરી

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા. બીજેપીના નેતૃત્વમાં એનડીએએ 292 સીટો જીતી અને બહુમતી મેળવી. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકને 234 બેઠકો મળી છે. ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી છે. આવી સ્થિતિમાં, તે બહુમતી અંક (272)થી ખૂબ પાછળ છે.

 2014ની ચૂંટણીમાં ભાજપે મોદીના નેતૃત્વમાં 282 બેઠકો જીતી હતી અને 2019ની ચૂંટણીમાં તેણે 303 બેઠકો જીતીને પોતાના દમ પર બહુમતી મેળવી હતી. જો કે આ વખતે એનડીએ સાથી પક્ષોને સામેલ કરીને બહુમતી હાંસલ કરવામાં સફળ રહી છે.

17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થશે

આ પહેલાં પીએમ આવાસ પર કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પરિણામો અને NDAને બહુમતી મળ્યા બાદ સરકારની સંભવિત રચના વિશે વાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાનના નિવાસસ્થાને સવારે 11.30 વાગ્યે બેઠક શરૂ થઈ હતી અને ત્યારબાદ મંત્રી પરિષદની બેઠક યોજાશે. મોદી 2.0ની કેબિનેટ અને મંત્રી પરિષદની આ છેલ્લી બેઠક હતી. કેબિનેટ વર્તમાન લોકસભાના વિસર્જનની પણ ભલામણ કરી શકે છે. વર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે.

narendra modi bharatiya janata party indian government political news indian politics delhi news india national news