18 February, 2025 07:03 AM IST | Boston | Gujarati Mid-day Online Correspondent
નીતા અંબાણી (ફાઈલ તસવીર)
હાલમાં ફેબ્રુઆરી 15 અને 16ના રોજ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇન્ડિયા કૉન્ફરન્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણીએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓએ મળીને કર્યું હતું. જ્યાં ભારતીય વ્યવસાય, નીતિ અને સંસ્કૃતિ પર ચર્ચા કરવામાં આવી. આ ઇવેન્ટ ભારતને વૈશ્વિક મંચ પર આગળ લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ કાર્યક્રમમાં નીતા અંબાણી મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યાં હતાં. જેમાં તેમણે ભારતના વિકાસ, ઉદ્યોગ અને સમાજસેવા જેવા મુદ્દાઓ વિશે ચર્ચા કરી. અહીં એક ક્ષણ એવી આવી જેણે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું – જ્યારે રૅપિડ ફાયર રાઉન્ડમાં એક ચોંકાવનારો પ્રશ્ન પૂછવામાં આવ્યો.
નરેન્દ્ર મોદી કે મુકેશ અંબાણી? નીતા અંબાણીએ આપ્યો આ જવાબ!
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ કૉન્ફરન્સના રૅપિડ ફાયર રાઉન્ડ દરમિયાન, નીતા અંબાણીને એક રસપ્રદ અને મુશ્કેલ પ્રશ્ન પૂછવામાં આવ્યો – આ પ્રશ્નમાં નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ પ્રશ્ન સાંભળીને હૉલમાં સૌની ઉત્સુકતા વધી ગઈ. નીતા અંબાણીનો જવાબ પણ એટલો જ રસપ્રદ હતો જેમાં તેઓ કહે છે કે "મને લાગે છે વડા પ્રધાન મોદીજી દેશ માટે સારાં છે અને મારા પતિ મુકેશ મારા ઘર માટે!" એમ કહીને તેમણે જવાબ આપ્યો. આ જવાબ સાંભળીને લોકોએ તાળીઓના ગળગળાટ અને પોતાના હાસ્યથી ઑડિટોરિયમ ભરી દીધું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો જવાબ
આ જવાબનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર લોકો તેમની હાજરજવાબી વખાણતાં જોવા મળી રહ્યાં છે. "ખૂબ જ સરસ!"- આવી કોમેન્ટ્સ જોવા મળી રહી છે.
હાર્વર્ડમાં નીતા અંબાણીનું સન્માન
હાર્વર્ડ કૉન્ફરન્સમાં માત્ર રૅપિડ ફાયર જ નહીં, પરંતુ નીતા અંબાણીને તેમના સામાજિક કાર્યો માટે પણ સન્માનિત કરવામાં આવ્યાં. તાજેતરમાં મેસાચ્યુસેટ્સના ગવર્નર મૌરા હિલીએ તેમને "ગવર્નર્સ સાઈટેશન" સન્માન આપ્યું, જે શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને કલા ક્ષેત્રે તેમના યોગદાન માટે એનાયત કરવામાં આવ્યું હતું.
80 મિલિયન લોકોના જીવનમાં લાવ્યો પરિવર્તન
હાર્વર્ડ કૉન્ફરન્સમાં નીતા અંબાણીનાં સામાજિક કાર્યો અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા પ્રભાવશાળી પ્રયોગોની ચર્ચા થઈ. રિલાયન્સ ફાઉન્ડેશને શિક્ષણ, આરોગ્ય, કૃષિ, કલા અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના પ્રયાસોના પરિણામે, 80 મિલિયનથી વધુ લોકોના જીવનમાં સુધારો આવ્યો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, જ્યાં આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ મર્યાદિત હોય છે. ફાઉન્ડેશન દ્વારા વિવિધ આરોગ્ય અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવ્યા છે, જેનાથી લોકો માટે રોજગારની તકો પણ વધી છે. આ કાર્યક્રમાં શિક્ષણ અને રમતગમતમાં યુવા પ્રતિભાઓને આગળ વધવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે ભારતના ભવિષ્યને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે.
NMACC અને ઑલિમ્પિક વિઝન
પ્રથમ ભારતીય મહિલા તરીકે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીના (IOC) સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં, તેમણે 2023માં ભારતને 141મો IOC સત્ર આયોજન કરવાનો ગર્વ અપાવ્યો અને 2036 ઑલિમ્પિક માટે ભારતની બિડ રજૂ કરશે. નીતા અંબાણી, Nita Mukesh Ambani Cultural Centre (NMACC)નાં સ્થાપક છે, જે ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપે છે.
નીતા અંબાણીનો હાર્વર્ડ લુક
નીતા અંબાણીએ હાર્વર્ડ ઇન્ડિયા કૉન્ફરન્સ દરમિયાન એક ખૂબ જ સુંદર, એમ્બ્રોઇડરી કરેલી નેવી બ્લૂ સાડી પહેરી હતી. હાર્વર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ, મેસાચ્યુસેટ્સમાં આવેલી એક પ્રતિષ્ઠિત આઇવી લીગ સંસ્થા છે, જે વિશ્વની શ્રેષ્ઠ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંની એક ગણાય છે.