લાલુ પ્રસાદ યાદવે કહ્યું, મોદીનો પરિવાર નથી મોદીએ કહ્યું, ૧૪૦ કરોડ લોકો મારો પરિવાર

05 March, 2024 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરજેડીના નેતાના વાણીવિલાસ બાદ બીજેપીના નેતાઓએ શરૂ કરી દીધું ‘મોદી કા પરિવાર’ અભિયાન

નરેન્દ્ર મોદી , લાલુ પ્રસાદ યાદવ

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ પરિવાર નથી એવી ટિપ્પણી કર્યા બાદ ગઈ કાલે બીજેપીએ ‘મોદી કા પરિવાર’ અભિયાન શરૂ કર્યું હતું. વડા પ્રધાને તેલંગણના આદિલાબાદમાં એક રૅલીમાં જણાવ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટીકરણમાં ડૂબેલા ‘ઇન્ડિયા’ ગઠબંધનના નેતાઓ નર્વસ થઈ રહ્યા છે, જ્યારે હું તેમના પરિવારવાદ સામે પ્રશ્ન કરું છું ત્યારે તેઓ કહે છે કે મોદીનો કોઈ પરિવાર નથી. મારું જીવન એક ખુલ્લી કિતાબ છે, દેશના ૧૪૦ કરોડ લોકો મારો પરિવાર છે. આજે દેશની કરોડો દીકરીઓ, માતાઓ અને બહેનો મોદીનો પરિવાર છે. દેશનો દરેક ગરીબ વ્યક્તિ મારો પરિવાર છે. જેમનું કોઈ નથી તેઓ મોદીના છે અને મોદી તેમના છે.’

પટનામાં વિપક્ષના ‘ઇન્ડિયા’ બ્લૉકની એક રૅલીને સંબોધતાં લાલુ પ્રસાદ યાદવે આરજેડી સહિતના વિરોધ પક્ષો સામે વંશવાદની રાજનીતિનો આરોપ મૂકનારા મોદી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનો પોતાનો પરિવાર ન હોય તો આપણે શું કરી શકીએ? આરજેડીના નેતાએ એવી પણ ટિપ્પણી કરી હતી કે ‘પીએમ મોદી રામમંદિરની બડાઈ મારે છે, પણ તેઓ સાચા હિન્દુ નથી. વડા પ્રધાને માતાના અવસાન બાદ મુંડન કરાવ્યું નહોતું.’

તેમની ટિપ્પણી બાદ બીજેપીના નેતાઓએ વડા પ્રધાનના સમર્થનમાં સોશ્યલ મીડિયા હૅન્ડલ પર પોતાના નામ સાથે ‘મોદી કા પરિવાર’ ઉમેર્યું હતું. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન, નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, શિવરાજ સિંહ ચૌહાણ સહિતના નેતાઓ આ અભિયાનમાં જોડાયા હતા. તો યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ ‘મોદી કા પરિવાર’માં સામેલ થયા હતા.

national news narendra modi rashtriya janata dal lalu prasad yadav