09 November, 2024 07:23 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
શુભેચ્છા આપતાં નરેન્દ્ર મોદી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીની ૯૭મી વર્ષગાંઠે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા આપી હતી અને તેમને ભારતના સૌથી આદરપાત્ર રાજનેતા ગણાવ્યા હતા.
BJPના ભીષ્મપિતામહ ગણાતા અડવાણીને શુભેચ્છા આપતાં વડા પ્રધાન મોદીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘લાલ કૃષ્ણ અડવાણીને તેમના જન્મદિને શુભેચ્છા. આ વર્ષ એટલા માટે પણ વધારે સ્પેશ્યલ છે કારણ કે આ વર્ષે તેમને દેશની સેવા માટે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ભારતના આદરણીય નેતાઓ પૈકીના એક છે જેમણે દેશની પ્રગતિ માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે. તેમની બુદ્ધિમત્તા અને સમૃદ્ધ આંતરદૃષ્ટિ માટે તેમને હંમેશાં સન્માન આપવામાં આવ્યું છે અને હું ભાગ્યશાળી છું કે મને ઘણાં વર્ષો સુધી તેમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવનની કામના વ્યક્ત કરું છું.’
સવારે સોશ્યલ મીડિયા પર આ શુભેચ્છા આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની ચૂંટણીસભાઓ પતાવ્યા પછી દિલ્હી જઈને અડવાણીને રૂબરૂ શુભેચ્છા પણ આપી હતી.