05 November, 2024 08:04 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઝારખંડમાં એક ચૂંટણીસભાને સંબોધતા નરેન્દ્ર મોદી
કૅનેડાના ટૉરોન્ટો શહેરમાં હિન્દુ મંદિર પર ખાલિસ્તાની સમર્થકોએ કરેલા હુમલાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વખોડી કાઢ્યો છે અને પહેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે આવાં કૃત્યોથી અમારો સંકલ્પ કમજોર નહીં થાય. નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટમાં લખ્યું હતું કે ‘હું કૅનેડામાં હિન્દુ મંદિર પર કરવામાં આવેલા હુમલાની આકરી નિંદા કરું છું. આ પ્રકારે અમારા રાજદૂતોને ડરાવવાની અને ધમકાવવાની કાયરતાપૂર્ણ કોશિશો ભયાવહ છે. આ પ્રકારની હિંસા ક્યારેય ભારતના સંકલ્પને કમજોર નહીં કરી શકે. અમે કૅનેડા સરકાર પાસે ન્યાય સુનિશ્ચિત કરાવવા અને કાયદાનું શાસન બનાવી રાખવા માટે અપેક્ષા રાખીએ છીએ.’
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે આ મુદ્દે જણાવ્યું હતું કે ‘ભારત કૅનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. હિન્દુ મંદિરમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા અને હુમલાની અમે નિંદા કરીએ છીએ અને કૅનેડા સરકારને આગ્રહ કરીએ છીએ કે તેઓ તમામ પૂજાસ્થળોને આવા હુમલાથી સુરક્ષિત રાખે. જે લોકો આ હુમલામાં સામેલ છે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવે.’