દરેક ૭૦+ નાગરિકને હવે મળશે પાંચ લાખનો કૅશલેસ હેલ્થ ઇન્શ્યૉરન્સ

12 September, 2024 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે સિનિયર સિટિઝનો માટે લીધો મહત્ત્વનો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ગઈ કાલે ભારતના ૭૦ વર્ષથી મોટી ઉંમરના નાગરિકો માટે મહત્ત્વનો નિર્ણય લીધો હતો. આયુષ્યમાન ભારત યોજનામાં ૭૦ વર્ષથી મોટી વયના નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીના કૅશલેસ ઇન્શ્યૉરન્સની સુવિધા આપવામાં આવશે. કેન્દ્ર સરકારની ગઈ કાલે કૅબિનેટની બેઠક મળી હતી. ત્યાર બાદ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘આયુષ્યમાન ભારત યોજનામાં અત્યાર સુધી ગરીબ પરિવારોને વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઇન્શ્યૉરન્સ આપવામાં આવે છે. જોકે હવે આ યોજનામાં ૭૦ વર્ષથી મોટી વયના તમામ ભારતીય નાગરિકોને પણ સામેલ કરવામાં આવશે. આવા નાગરિકોની ગમે એટલી આવક હશે તો પણ તેમને આ સુવિધા મળશે. આ બહુ મોટો નિર્ણય છે જેમાં લગભગ ૪.૫  કરોડ પરિવારોના છ કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. આયુષ્યમાન ભારત યોજનામાં પાંચ લાખ રૂપિયા સુધીની કૅશલેસ સારવાર કરાવી શકાશે. હૉસ્પિટલમાં દાખલ થયાના ત્રણ દિવસ પહેલાં અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૧૫ દિવસ સુધીની સારવારના ખર્ચનો આ ઇન્શ્યૉરન્સમાં સમાવેશ હશે.’

indian government narendra modi national news india