અમેરિકા-ઈજિપ્તના પ્રવાસેથી ભારત પરત ફર્યા મોદી, જાણો આવતા જ એરપોર્ટ પર નડ્ડાને શું પૂછ્યું? 

26 June, 2023 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી અને ભાજપ અધ્યક્ષ નડ્ડા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ વર્ધન, હંસ રાજ હંસ અને ગૌતમ ગંભીર સહિત ભાજપના અનેક નેતાઓ અને સાંસદોની હાજરી પણ જોવા મળી હતી.

નવી દિલ્હીમાં ગઈ કાલે મીટિંગ દરમ્યાન કેન્દ્રીય પ્રધાનો હરદીપ સિંહ પુરી, અમિત શાહ અને નિર્મલા સીતારમણની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર સૌજન્ય: એ.એન.આઇ.

અમેરિકા અને ઈજિપ્તની રાજકીય મુલાકાતેથી નરેન્દ્ર મોદી ભારત પાછા ફર્યા છે. પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય નેતાઓને પૂછ્યું હતું કે, “દેશમાં શું ચાલી રહ્યું છે?” અમેરિકા અને ઈજિપ્તની છ દિવસની મુલાકાત બાદ મોદી રવિવારે મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા હતા.

મળતી માહિતી મુજબ નડ્ડા અને કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ દિલ્હી એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દિલ્હીના બીજેપી સાંસદ હર્ષ વર્ધન, હંસ રાજ હંસ અને ગૌતમ ગંભીર ઉપરાંત પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.

જ્યારે એરપોર્ટ પર પાર્ટીના નેતાઓને મળ્યા ત્યારે વડાપ્રધાને તેમને શું પૂછ્યું તે વિશે પૂછવામાં આવતાં સાંસદ મનોજ તિવારીએ પત્રકારોને કહ્યું હતું કે, "તેમણે (મોદીજીએ) નડ્ડાજીને પૂછ્યું કે અહીં બધું કેમ ચાલી રહ્યું છે. ત્યારે નડ્ડાજીએ તેમને જવાબ આપ્યો હતો કે પાર્ટીના નેતાઓ લોકો સુધી પહોંચી રહ્યા છે. તેમની સરકારના નવ વર્ષના `રિપોર્ટ કાર્ડ`થી દેશ ખુશ જણાઈ રહ્યો છે.

તે જ સમયે ભાજપના નેતા પ્રવેશ વર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાને પૂછ્યું કે દેશમાં શું ચાલી રહ્યું છે અને પાર્ટીના જન સંપર્ક કાર્યક્રમની સ્થિતિ શું છે. ત્યારે તેમણે કહ્યું કે અમે આ સંદર્ભે વડાપ્રધાનને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અમેરિકા અને ઈજિપ્તની છ દિવસની મુલાકાત બાદ ભારત પરત ફર્યા છે. મુલાકાત દરમિયાન અનેક ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને પણ મળ્યા હતા. મોદીએ જો બાઈડન સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. ત્યારબાદ પીએમ મોદીએ અમેરિકાની સંસદમાં સંબોધન પણ કર્યું હતું. મોદીએ વ્હાઇટ હાઉસમાં આયોજિત સ્ટેટ ડિનરમાં પણ હાજરી આપી હતી. ભારતના બિઝનેસમેન મુકેશ અંબાણી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ફર્સ્ટ લેડી જીલ બાઈડન સહિત આનંદ મહિન્દ્રા જેવા અનેક દિગ્ગજ લોકોએ આમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ ડિનરની તૈયારી જીલ બાઈડનની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.

તે સાથે પીએમ મોદી ઇજિપ્ત પણ પહોંચ્યા હતા. અહીં તેમણે ઇજિપ્તના પીએમ મેડબૌલીના નેતૃત્વમાં ઇજિપ્તીયન કેબિનેટના ઇન્ડિયા યુનિટ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચામાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ કૈરોમાં ભારતીય પ્રવાસી વ્હોરા સમુદાયના સભ્યો અને યોગ શિક્ષકો રીમ જાબક અને નાડા એડેલને મળ્યા હતા.

દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી અને ભાજપ અધ્યક્ષ નડ્ડા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ વર્ધન, હંસ રાજ હંસ અને ગૌતમ ગંભીર સહિત ભાજપના અનેક નેતાઓ અને સાંસદોની હાજરી પણ જોવા મળી હતી.

narendra modi gautam gambhir bharatiya janata party united states of america egypt america joe biden