26 March, 2023 08:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે કૉન્ગ્રેસના મુખ્યાલય ખાતે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી રહેલા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી.
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ-કૉન્ફરન્સમાં આમ જણાવ્યું, સાથે જ તેમણે દાવો કર્યો કે પીએમને અદાણીના મુદ્દે તેમની આગામી સ્પીચથી ડર લાગ્યો હોવાન કારણે તેમને ડિસક્વૉલિફાય કરવામાં આવ્યા છે. વળી એ પણ સવાલ કર્યો કે અદાણી ગ્રુપની કંપનીઝમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા કોણે ઇન્વેસ્ટ કર્યા છે
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદસભ્યપદ ગુમાવ્યા બાદ ગઈ કાલે અદાણી ગ્રુપના મામલે કેન્દ્ર સરકારની, ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે ‘પીએમને અદાણીના મુદ્દે મારી આગામી સ્પીચથી ડર લાગ્યો હોવાના કારણે મને ડિસક્વૉલિફાય કરવામાં આવ્યો છે.’ એક પત્રકારના માફી માગવાના સવાલ વિશે તેમણે કહ્યું હતું કે ‘મારું નામ સાવરકર નથી, ગાંધી છે; ગાંધી કોઈની માફી માગતો નથી.’
પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે ‘મેં અનેક વખત કહ્યું છે કે હિન્દુસ્તાનમાં લોકશાહી પર આક્રમણ થઈ રહ્યું છે, જેના આપણને રોજેરોજ નવાં-નવાં ઉદાહરણો મળી રહ્યાં છે. મેં એક જ સવાલ પૂછ્યો હતો કે અદાણી ગ્રુપની શેલ કંપનીઝ છે, એમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા કોઈએ ઇન્વેસ્ટ કર્યા. અદાણીના એ રૂપિયા નથી. અદાણીનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ છે. રૂપિયા બીજા કોઈના છે. સવાલ એ છે કે આ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા કોના છે? મેં આ સવાલ પૂછ્યો હતો. મેં સંસદમાં ગૌતમ અદાણી અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો વિશે વિસ્તારથી વાત કહી હતી. આ સંબંધ નવો નથી, સંબંધ જૂનો છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી આ સંબંધ છે. મેં સ્પીકરને લેટરમાં લખ્યું હતું કે નિયમો બદલીને અદાણી ગ્રુપને ઍરપોર્ટ આપવામાં આવ્યાં હતાં. લેટર લખ્યો કોઈ ફરક ન પડ્યો.’
લંડનમાં રાહુલનાં નિવેદનોને લઈને તેઓ માફી માગે એવી બીજેપીના નેતાઓ માગણી કરી રહ્યા છે. જેના વિશે રાહુલે કહ્યું હતું કે ‘મારા વિશે પ્રધાનો સંસદમાં ખોટું બોલ્યા. તેમણે કહ્યું કે મેં વિદેશી તાકાતો પાસેથી મદદ માગી છે. મેં એવી કોઈ વાત કહી નથી. મેં સ્પીકરને કહ્યું હતું કે જો કોઈ મેમ્બર પર આરોપ મૂકવામાં આવે છે તો એ મેમ્બરને જવાબ આપવાનો અધિકાર હોય છે. મેં એક લેટર લખ્યો હતો, જેનો કોઈ જવાબ આવ્યો નથી. બીજો લેટર લખ્યો, એનો પણ જવાબ ન આવ્યો. એ પછી હું સ્પીકરની ચેમ્બરમાં ગયો. મેં તેમને સવાલ કર્યો કે આ લોકોએ મારી વિરુદ્ધ આરોપ મૂક્યા છે ત્યારે તમે મને સંસદમાં શા માટે બોલવા દેતા નથી. સ્પીકરસરે સ્માઇલ કરીને કહ્યું કે હું ના કહી શકું. એ પછી શું થયું એ બધાએ જોયું છે. હું સવાલ પૂછવાનું બંધ કરવાનો નથી. જો તેઓ વિચારતા હોય કે મને ડિસક્વૉલિફાય કરીને, ધમકાવીને, જેલમાં કેદ કરીને મને અટકાવશે તો એમ નહીં બને. પીએમને અદાણીના મુદ્દે મારી આગામી સ્પીચથી ડર લાગ્યો હોવાના કારણે મને ડિસક્વૉલિફાય કરવામાં આવ્યો છે. તેઓ એ સ્પીચ સંસદમાં ઇચ્છતા નથી. મને પર્મનન્ટલી ડિસક્વૉલિફાય કરે તો પણ હું મારું કામ કરતો રહીશ. મને કોઈ ફરક પડતો નથી કે હું સંસદની અંદર રહું કે બહાર.’
એક પત્રકારે સવાલ પૂછ્યો કે વિદેશોમાં ભારતની લોકશાહીના મામલે સ્ટેટમેન્ટ આપવા બદલ બીજેપીના નેતાઓએ માફીની માગણી કરી અને પછી અદાલતે પણ માફી માટે પૂછ્યું હતું ત્યારે રાહુલ ગાંધી શું વિચારે છે એના જવાબમાં તેમણે કહ્યું કે ‘રાહુલ ગાંધી વિચારે છે કે મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. ગાંધી કોઈની માફી માગતો નથી.’
રાહુલને રસ્તા પર ફરકવા નહીં દઈએ : એકનાથ શિંદે
રાહુલ ગાંધીએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે હું કંઈ વીર સાવરકર નથી, હું માફી નહીં જ માગું. આ વિશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘સંસદસભ્યનું પદ રદ કરવાનો કાયદો કૉન્ગ્રેસ જ લાવી હતી. આ કાયદા મુજબ લાલુ પ્રસાદ યાદવ સહિતના અનેક નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એ સમયે કોઈએ નહોતું કહ્યું કે લોકશાહી ખતરામાં છે. કોઈએ આંદોલન નહોતું કર્યું. રાહુલ ગાંધીએ સરકારનો અધ્યાદેશ ફાડ્યો હતો. વીર સાવરકરની સાથે ઓબીસી સમાજનું અપમાન કરનારા રાહુલ ગાંધીને જનતા માફ નહીં કરે. રસ્તા પર ફરવા નહીં દે. હું તેમના આવા વર્તનનો જાહેર નિષેધ કરું છું.’
ગેરમાર્ગે દોરવાની રાહુલની આદત : બીજેપી
બીજેપીના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ-કૉન્ફરન્સમાં આદત મુજબ ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી છે. રાહુલને ૨૦૧૯માં તેમના ભાષણને લઈને સજા કરાઈ છે. આજે તેમણે કહ્યું કે ‘હું સમજીવિચારીને બોલું છું.’ એનો અર્થ એ થયો છે કે ૨૦૧૯માં રાહુલ ગાંધીએ જે કહ્યું હતું એ તેમણે સમજીવિચારીને કહ્યું હતું.’ ગુજરાતમાં સુરતની અદાલતે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને ૨૦૧૯ના અપરાધિક બદનક્ષીના કેસમાં બે વર્ષની જેલની સજા કરી હતી. આ મામલો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં કર્ણાટકના કોલારમાં એક રૅલીનો છે. આ રૅલીને સંબોધતાં રાહુલે કહ્યું હતું કે ‘ચોરોની સરનેમ મોદી છે. તમામ ચોરોની સરનેમ મોદી શા માટે હોય છે, પછી એ લલિત મોદી હોય કે નીરવ મોદી હોય કે નરેન્દ્ર મોદી. હજી તમે શોધશો તો બીજા ઘણા મોદી મળશે.’