31 August, 2024 07:41 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આસામની વિધાનસભાએ બ્રિટિશકાળથી ચાલી આવતા શુક્રવારે નમાજ અદા કરવા માટે અપાતા બ્રેકને રદ કરવાનો નિર્ણય લીધો છે. હવેથી મુસ્લિમ વિધાનસભ્યોને નમાજ અદા કરવા માટે શુક્રવારે બપોરે બ્રેક નહીં મળે. આ મુદ્દે સરુપથાર વિધાનસભા ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય બિશ્વજિત ફુકને કહ્યું હતું કે ‘બ્રિટિશકાળથી આસામ વિધાનસભામાં મુસ્લિમ વિધાનસભ્યો નમાજ અદા કરી શકે એ માટે શુક્રવારે બપોરે ૧૨થી બે વાગ્યા વચ્ચે બે કલાકનો બ્રેક આપવામાં આવતો હતો. હવેથી આ નિયમ બદલાઈ ગયો છે અને કોઈ બ્રેક આપવામાં નહીં આવે.’
આ નિર્ણય વિધાનસભાના સ્પીકર બિશ્વજિત ડાઇમેરીએ બોલાવેલી બેઠકમાં સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. અન્ય વિધાનસભ્યોએ પણ એ માટે સમર્થન આપ્યું છે. આ મુદ્દે વધુમાં બોલતાં તેમણે કહ્યું હતું કે આ નિર્ણય માટે તમામ લોકોએ સપોર્ટ આપ્યો હતો. લોકસભા, રાજ્યસભા અને અન્ય રાજ્યોની વિધાનસભામાં આવી રીતે બ્રેક આપવાની કોઈ જોગવાઈ નથી એથી વિધાનસભાના સ્પીકરે બ્રિટિશકાળથી ચાલ્યા આવતા આ નિયમને હટાવવાનો નિર્ણય લીધો છે. આસામમાં વિધાનસભાની કામગીરી સોમવારથી ગુરુવાર સુધી દરરોજ ૯.૩૦ વાગ્યે શરૂ થતી હતી, પણ શુક્રવારે બ્રેક આપવા માટે એનો સમય ૯.૦૦ વાગ્યાથી શરૂ થતો હતો. જોકે આ નિર્ણય લેવાયા બાદ હવે દરરોજ વિધાનસભાની કામગીરી ૯.૩૦ વાગ્યાથી શરૂ થશે.
આસામમાં મુસ્લિમ મૅરેજ અને ડિવૉર્સનું રજિસ્ટ્રેશન ફરજિયાત થયું
આસામ વિધાનસભાએ આઝાદી પહેલાંના બીજા એક નિયમને પણ બદલી નાખ્યો છે. હવે રાજ્યમાં મુસ્લિમ મૅરેજ અને ડિવૉર્સનું પણ સરકારમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સંદર્ભનું બિલ ગુરુવારે મંજૂર થયું છે. વિધાનસભાએ આસામ કમ્પલ્સરી રજિસ્ટ્રેશન ઑફ મુસ્લિમ મૅરેજિસ ઍન્ડ ડિવૉર્સ બિલ, ૨૦૨૪ મંજૂર કર્યું હતું અને એનો હેતુ મુસ્લિમ મહિલાઓ અને પુરુષોનાં લગ્નને સલામતી આપવા અને બાળલગ્નોને રોકવાનો છે. આ નવું બિલ સદીઓ જૂના આસામ મોસ્લેમ મૅરેજિસ ઍન્ડ ડિવૉર્સિસ રજિસ્ટ્રેશન ઍક્ટ, ૧૯૩૫ના સ્થાને લાવવામાં આવ્યું હતું. આ બિલના મુદ્દે ચર્ચામાં ભાગ લેતાં મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ કહ્યું હતું કે ‘દેશમાં મુસ્લિમોની વસ્તી સૌથી વધારે છે એવા કેરલા અને જમ્મુ તથા કાશ્મીરમાં આ પ્રકારનો કાયદો છે જેમાં મુસ્લિમોને મૅરેજ રજિસ્ટર કરાવવાં પડે છે. કેરલામાં તો આ કાયદો કૉન્ગ્રેસ કે ડાબેરી પક્ષોની સરકારો લાવી હશે, કારણ કે ત્યાં કદી BJPની સરકાર રહી નથી. આ કાયદો રાજ્યમાં મુસ્લિમ મહિલાઓને સલામતી અને સુરક્ષા પ્રદાન કરશે.’