દિલ્હીની શ્રદ્ધા વાલકર જેવા જ કેસથી બૅન્ગલોરમાં ખળભળાટ

22 September, 2024 08:22 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ફ્રિજમાંથી ૨૬ વર્ષની યુવતીના મૃતદેહના ૩૦ ટુકડા મળ્યા

શ્રદ્ધા વાલકર

પરિણીત અને એક બાળકની માતા એકલી રહેતી હતી, પોલીસે તેના પતિને ખોળી કાઢીને પૂછપરછ શરૂ કરી

બૅન્ગલોરમાં એકલી રહેતી ૨૬ વર્ષની મહાલક્ષ્મી નામની યુવતીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ૩૦ ટુકડા કરીને ફ્ર‌િજમાં ભરી દેવાનો એક શૉકિંગ બનાવ બન્યો છે જેમાં પોલીસ હજી પ્રાથમિક સ્તરે તપાસ કરી રહી છે અને ઘટનાનો ભેદ ઉકલવામાં લાગી છે.

કોની હત્યા થઈ?

પશ્ચિમ બંગાળ કે છત્તીસગઢની રહેવાસી મહાલક્ષ્મી બૅન્ગલોરના એક મૉલમાં નોકરી કરતી હતી. તેનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં અને તેને એક બાળક પણ છે છતાં તે પતિથી અલગ એકલી રહેતી હતી. પોલીસે તેના પતિ રાણાને શોધી કાઢ્યો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.

જાણ કેવી રીતે થઈ?

મહાલક્ષ્મીના પાડોશીઓને તેના ઘરમાંથી બે દિવસથી વાસ આવતી હોવાથી તેમણે મહાલક્ષ્મીની મમ્મી અને બહેનને ફોન કર્યો હતો. તેઓ ગઈ કાલે ઘરે આવ્યાં ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી.

ઘટનાસ્થળે પોલીસે શું જોયું?

પોલીસની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને એણે જોયું કે ઘરમાં ૧૬૫ લીટરના સિંગલ ડોર ફ્ર‌િજમાં મહાલક્ષ્મીના મૃતદેહના ૩૦ ટુકડા મળી આવ્યા હતા. ફ્ર‌િજ ચાલુ હોવા છતાં મૃતદેહ કોહવાઈ ગયો હતો અને એમાં જીવડાં ફરતાં હતાં.

પોલીસને શું આશંકા છે?

આ ઘટના વિશે પોલીસને આશંકા છે કે મહાલક્ષ્મીની હત્યા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં કરવામાં આવી હશે અને તેના મૃતદેહને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર અથવા કોયતાથી કાપવામાં આવ્યો હશે અને ફ્ર‌િજમાં ભરી દેવામાં આવ્યો હશે.

મહાલક્ષ્મીનું રૂટીન શું હતું?

મહાલક્ષ્મી એક મૉલમાં કામ કરતી હતી અને રોજ સવારે કામે જતી રહેતી હતી અને મોડી રાતે ઘરે પાછી ફરતી હતી. તે પાંચ કે છ મહિના પહેલાં અહીં રહેવા આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે તે એકલી રહેતી હતી અને લોકો સાથે ઓછો સંબંધ રાખતી હતી. થોડા દિવસ માટે તેનો ભાઈ પણ તેની સાથે રહ્યો હતો.

એક પણ બૉડી-પાર્ટ ગુમ નથી

આ ઘટના વિશે પોલીસે જણાવ્યું હતું કે આ કોઈ એક વ્યક્તિનું કૃત્ય લાગે છે. હત્યારાએ જ ૩૦ ટુકડા કરીને ફ્ર‌િજમાં ભરી દીધા હશે. ફ્ર‌િજમાંથી બધા બૉડી-પાર્ટ મળી આવ્યા છે એથી હત્યારાએ લાશનો નિકાલ કરવાનો કોઈ પ્રયાસ કર્યો હોવાનું દેખાતું નથી. પોલીસ-ટીમે તમામ બૉડી-પાર્ટ્સને એકઠા કરીને પોસ્ટમૉર્ટમ માટે અલગ-અલગ બૉક્સમાં ભરીને મોકલી દીધા હતા.

શ્રદ્ધા વાલકર કેસ

આ કેસ દિલ્હીના છતરપુરમાં નોંધાયેલા શ્રદ્ધા વાલકરના હત્યાકેસ જેવો છે. એ કેસમાં મુંબઈની ૨૭ વર્ષની શ્રદ્ધા વાલકરને તેના બૉયફ્રેન્ડ અને લિવ-ઇન પાર્ટનર ૨૯ વર્ષના આફ્તાબ અમીન પૂનાવાલાએ મારી નાખી હતી અને તેના મૃતદેહના ૩૫ ટુકડા કરીને ફ્ર‌િજમાં ભરી દીધા હતા. ત્યાર બાદ તેણે નજીકના જંગલમાં જઈને એનો નિકાલ કર્યો હતો.

national news india bengaluru Crime News west bengal chhattisgarh