દિલ્હીમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની મોટી કાર્યવાહી: દૃષ્ટિ IAS કોચિંગ સેન્ટર સીલ

29 July, 2024 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ બેઝમેન્ટમાં 7-8 મોટા હોલમાં કોચિંગ ક્લાસ ચાલતા હતા અને એક હોલમાં 250-300 વિદ્યાર્થીઓ કોચિંગ લેતા હતા. મહાનગરપાલિકાની આ કાર્યવાહી મુખર્જી નગરમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે

એઆઈ દ્વારા નિર્મિત પ્રતીકાત્મક તસવીર

Drishti IAS Coaching Center Seal: દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરના ભોંયરામાં ચાલતા સેલ્ફ સ્ટડી સેન્ટરમાં ડૂબી જવાથી બે વિદ્યાર્થીનીઓ અને એક છોકરાના મોતના ત્રીજા દિવસે દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશને મુખર્જી નગરમાં મોટી કાર્યવાહી કરી છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમે સોમવારે બપોરે રાજધાનીની સૌથી મોટી IAS કોચિંગ એકેડમીમાં સમાવિષ્ટ નહેરુ વિહારમાં દૃષ્ટિ IAS (M/s દૃષ્ટિ-ધ વિઝન)ના મોટા કેન્દ્રને સીલ કરી દીધું હતું. આ કોચિંગ સેન્ટર વર્ધમાન મૉલના બેઝમેન્ટમાં ચાલતું હતું.

એક હોલમાં 250-300 વિદ્યાર્થીઓ કોચિંગ લેતા હતા

આ બેઝમેન્ટમાં 7-8 મોટા હોલમાં કોચિંગ ક્લાસ ચાલતા હતા અને એક હોલમાં 250-300 વિદ્યાર્થીઓ કોચિંગ લેતા હતા. મહાનગરપાલિકાની આ કાર્યવાહી મુખર્જી નગરમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. કૉર્પોરેશનની આ અચાનક કાર્યવાહીના કારણે કોચિંગ સેન્ટરના સંચાલક અને બાળકો પોતાનો સામાન પણ બહાર કાઢી શક્યા ન હતા.

દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનના સિવિલ લાઇન ઝોનની ટીમ સોમવારે સવારે 10.30 વાગે મુખર્જી નગર સ્થિત નેહરુ વિહાર પહોંચી હતી. અહીં, વર્ધમાન મોલના ભોંયરામાં ચાલતા દૃષ્ટિ IAS કોચિંગ સેન્ટરને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

એક કલાકની કાર્યવાહી બાદ કોચિંગ સેન્ટરના તમામ એક્ઝિટ ગેટ સીલ કરી દેવામાં આવ્યા હતા. કોચિંગ સેન્ટરના ચાર-પાંચ મુખ્ય દરવાજાઓ સિવાય અન્ય દરવાજા સીલ કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે આ કોચિંગ સેન્ટર વર્ધમાન મોલના ટાવર નંબર એક, બે અને ત્રણના બેઝમેન્ટમાં ચાલતું હતું.

આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં કોચિંગ લઈ રહેલા યુવાનો અને દર્શકો સ્થળ પર હાજર રહ્યા હતા. મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભોંયરામાં 7-8 મોટા કદના હોલમાં કોચિંગ ક્લાસ યોજવામાં આવતા હતા. કોચિંગ ક્લાસમાં 250-300 જેટલા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. એટલે કે એક બેચમાં 1800-2000 વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવી રહ્યું હતું.

દિલ્હી કોચિંગ અકસ્માત બાદ સાતની ધરપકડ

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં રાઉ આઈએએસ કોચિંગ સેન્ટરના ભોંયરામાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. MCDએ એક જુનિયર એન્જિનિયરને ટર્મિનેટ કર્યો છે અને એક આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કર્યો છે. દરમિયાન, સોમવારે પોલીસે આ કેસમાં વધુ 5 લોકોની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બીજી તરફ ભાજપે AAP હેડક્વાર્ટર પાસે પ્રદર્શન કર્યું. ભાજપના કાર્યકરોએ કહ્યું કે MCDમાં AAPની બહુમતી છે. મેયર પણ AAPના છે. MCDની બેદરકારીને કારણે આ ઘટના બની છે. દિલ્હી પોલીસે કાર્યકરોને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

અહીં, AAP કાર્યકર્તાઓએ LG સચિવાલયની બહાર BJP અને MCD કમિશનર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકર્તાઓએ કહ્યું- MCD કમિશનરની નિમણૂક ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. કમિશનરની બેદરકારીના કારણે પાણી ભરાયા અને વિદ્યાર્થીઓના મોત થયા.

new delhi delhi police delhi news india news national news