23 August, 2024 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી ગઈ કાલે સવારના ૫.૪૫ વાગ્યે ઍર ઇન્ડિયાની ૬૫૭ નંબરની ફ્લાઇટ કેરલાના તિરુવનંતપુરમ ઍરપોર્ટ જવા માટે રવાના થઈ હતી. ફ્લાઇટ સવારના ૮.૧૦ વાગ્યે લૅન્ડ થવાની હતી. થોડા સમય બાદ ફ્લાઇટના પાઇલટે ઍર ટ્રાફિક કન્ટ્રોલને ફ્લાઇટમાં બૉમ્બ હોવાની માહિતી આપી હતી અને ઇમર્જન્સી લૅન્ડિંગ કરવાની જરૂર હોવાનું કહ્યું હતું. આ ફ્લાઇટનું તિરુવનંતપુરમ ઍરપોર્ટ પર એના નિયમિત સમય કરતાં વહેલું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં પ્રવાસ કરનારા ૧૩૫ પૅસેન્જરને તાત્કાલિક ઉતારીને વિમાનને ઍરપોર્ટ ટર્મિનલથી થોડે દૂર ઊભું રાખીને સઘન તપાસ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી હોવાનું ઍર ઇન્ડિયાએ બાદમાં જાહેર કર્યું હતું. વિમાનના ટૉઇલેટમાં બૉમ્બ હોવાનો મેસેજ જોયા બાદ ક્રૂ-મેમ્બરે પાઇલટને જાણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.