19 February, 2023 07:56 AM IST | New Delhi / Gwalior | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશના શેઓપુર જિલ્લામાં કુનો નૅશનલ પાર્કમાં ગઈ કાલે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ તેમ જ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ દ્વારા સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાને મુક્ત કરવામાં આવ્યા હતા.
સાઉથ આફ્રિકાથી ૧૨ ચિત્તા ગઈ કાલે મધ્ય પ્રદેશમાં આવી પહોંચ્યા હતા. થોડા મહિના પહેલાં આઠ ચિત્તાને નામિબિયાથી લાવવામાં આવ્યા હતા. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને પર્યાવરણપ્રધાન ભૂપેન્દ્ર યાદવ દ્વારા કુનો નૅશનલ પાર્ક ખાતે હવે સાત નર અને પાંચ માદા ચિત્તાને ક્વૉરન્ટીન વાડામાં મુક્ત કરવામાં આવ્યાં હતાં. ચિત્તાને લઈને ઍર ફોર્સનું ઍરક્રાફ્ટ સવારે ૧૦ વાગ્યે ગ્વાલિયર ઍર ફોર્સ બેઝ ખાતે લૅન્ડ થયું હતું. એ પછી આ ચિત્તાઓને હેલિકૉપ્ટર્સમાં કુનો નૅશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા.
અહીં ક્વૉરન્ટીન વાડામાં મુક્ત કરવામાં આવેલો સાઉથ આફ્રિકન ચિત્તો
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘મધ્ય પ્રદેશને મહાશિવરાત્રિ પર એક ગિફ્ટ મળી છે. હું પીએમ મોદીનો આભાર માનું છું. આ તેમનું વિઝન છે. ૧૨ ચિત્તાઓને કુનોમાં વસાવવામાં આવશે. આ પહેલાં લાવવામાં આવેલા ચિત્તા અહીંના માહોલમાં સારી રીતે ટેવાઈ ગયા છે.’ ચિત્તા માટે ૧૦ ક્વૉરન્ટીન વાડા ઊભા કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન વાઇલ્ડ લાઇફ કાયદા અનુસાર ફૉરેનમાંથી જો કોઈ ઍનિમલ્સને લાવવામાં આવે તો એમને ૩૦ દિવસ માટે આઇસોલેશનમાં રાખવા પડે છે.