ઠેર ઠેર લાશના ટુકડા જોવા મળ્યા

07 February, 2024 08:42 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

બ્લાસ્ટનો અવાજ અને ધ્રુજારો એટલો તીવ્ર હતો કે લોકોને એમ લાગ્યું કે ભૂકંપ આવ્યો

આગ એટલી ભીષણ હતી કે કેટલાંય ફાયર ટૅન્કર અને ઈજાગ્રસ્તોને ખસેડવા અનેક ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તહેનાત હતાં.

હરદા : મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં ગઈ કાલે ફટાકડાની ફૅક્ટરીમાં ઘાતક વિસ્ફોટ થયો છે. ફટાકડાની ફૅક્ટરી સોમેશ ફાયર વર્ક્સમાં થયેલો બ્લાસ્ટ એટલો મોટો હતો કે વિસ્ફોટ થયા બાદ આસપાસ રહેતા લોકોને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે. મકાનોની બારીના કાચ તૂટી ગયા હતા. તેમ જ વાસણો જમીન પર પડ્યાં અને માટીનાં મકાનોની દીવાલોમાં તિરાડો દેખાઈ હતી.મળેલી માહિતી મુજબ ફૅક્ટરીના અડધા કિલોમીટરના વિસ્તારમાં સ્થિતિ ભયાનક છે. મૃતદેહોના ટુકડા વેરવિખેર જોવા મળ્યા હતા. પગ ક્યાંક પડેલા હતા અને ધડ ક્યાંક પડેલું હતું. આ ઘટનામાં રોડ પરથી પસાર થતા લોકો પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત બાદ હરદામાં ઍમ્બ્યુલન્સ અને ફાયર એન્જિનનાં સાયરન ગુંજતાં હતાં.બ્લાસ્ટ એટલા વિસ્ફોટક હતા કે આસપાસની ઇમારતો પણ હચમચી ગઈ હતી. તેમ જ આગે આસપાસનાં મકાનોને પણ લપેટમાં લીધાં હતાં.

સમગ્ર મામલે મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. તેમ જ પ્રધાન ઉદય પ્રતાપ સિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓને હરદા જવા માટે સૂચના આપવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોની જવાબદારી લેશે. તેમનાં બાળકોના શિક્ષણનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે. દરમિયાન આસપાસના સાત જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડ અને ઍમ્બ્યુલન્સ હરદા પહોંચી ગઈ છે. ભોપાલથી ગયેલા અધિકારીઓએ પણ ચાર્જ સંભાળી લીધો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલદી સાજા થઈ જશે. સ્થાનિક વહીવટીતંત્ર દરેકને મદદ કરી રહ્યું છે. આ સાથે જ વડા પ્રધાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય આપત્તિ ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

national news madhya pradesh